Last Updated on by Sampurna Samachar
આ ઘટનામાં ૧૨ બાળકો અને બે શિક્ષક સહિત ૧૪ લોકોના મોત થયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં તમામ મૃતક બાળકના પરિવારને વળતર પેટે રૂ. ૩૧,૭૫,૭૦૦ આપવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. આ ઘટનામાં ૧૨ બાળકો અને બે શિક્ષક સહિત કુલ ૧૪ લોકોના મોત થયા હતા.
આ આદેશ કરતા વડોદરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી. કે.સાંબડેએ જણાવ્યું છે કે, હાઈકોર્ટની અરજીના આધારે તમામ મૃતક બાળકના પરિવારજનોને વળતર પેટે રૂ. ૩૧,૭૫,૭૦૦ તથા બે શિક્ષકોને અનુક્રમે રૂ. ૧૧,૨૧,૯૦૦ અને રૂ. ૧૬,૬૮,૨૦૯ તેમજ ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦નું વળતર આપવામાં આવે છે. આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજીની દાખલ તારીખથી વસૂલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક ૯% વ્યાજ દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે.
હરણી બોટ કાંડ અંગે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષી સહિતના નેતાઓએ વારંવાર રજૂઆતો કરી હતી. તેમણે કોર્પોરેશન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘આ વર્ષે કોર્પોરેશનની ભૂલના કારણે કુલ ૩૦ વ્યક્તિએ જીવ ગુમાવ્યો. હરણી બોટ કાંડમાં ૧૪ વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ ૧૪ લોકોના મોત થયા. આ દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પીડિત પરિવારો લાચારીથી મદદ માટે આજીજી કરી રહ્યા છે, જે આપણા માટે શરમજનક છે.’
આ ઘટનાના એક વર્ષ પછી તપાસ કરતાં અધિકારીને લાગ્યું હતું કે, ફરિયાદી જ આરોપી છે, જેથી કોર્પોરેશનના અધિકારી રાજેશ ચૌહાણના પેન્શનમાંથી રૂ. ૫૦૦૦ કપાત કરવાનો કમિશનર હુકમ કર્યો. આ હુકમ પછી અનેક લોકોએ ઉગ્ર માગ કરતા કહ્યું હતું કે, કમિશનરના હુકમ પરથી જ સાબિત થાય છે કે આ પ્રકરણમાં રાજેશ ચૌહાણ દોષિત છે. જેથી મ્યુનિસિપલ કમિશનરે તેમની સામે વધારાની પોલીસ ફરિયાદ કરવી જાેઈએ. રાજેશ ચૌહાણ ઉપરાંત ફ્યુચરિસ્ટિક સેલના હેડ, કાર્યપાલક ઇજનેર સહિત તમામ અધિકારીઓને આરોપી બનાવવા જોઈએ. કોન્ટ્રાક્ટર કોટિયા બંધુએ પેડલ બોટ ચલાવવાની હતી, પરંતુ તેઓ તેના બદલે મોટર બોટ ચલાવતા હતા.
કોર્પોરેશનના અધિકારીઓએ આ ઘટનામાં કોન્ટ્રાક્ટર કાયદા અને નિયમો મુજબ કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવાનું હતું, પરંતુ તેમાં પણ બેદરકારી રખાઈ. એટલે જ કોન્ટ્રાક્ટરે ત્યાં બેન્ક્વેટ હૉલ બનાવી દીધો અને જાહેરાતોના હોર્ડિંગ્સ લગાવીને કોમર્શિયલ ધંધા કર્યા. જાણે તળાવ ભાડે લીધું હોય, તેમ તેની આસપાસની તમામ મિલકતો પોતાની હોય એ રીતે તેનો ઉપયોગ કર્યો. નોંધનીય છે કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના આ મોડલમાં જે ભ્રષ્ટાચાર થયો, તેમાં વર્ષ ૨૦૧૫-૧૬ની સભામાં ૭૬ સભ્યોએ કામને મંજૂર કર્યું હતું. તેથી તેઓ પણ આ ઘટના માટે એટલા જ જવાબદાર છે.