પૂરતી સંખ્યામાં ઉમેદવારો પ્રાપ્ત થતા ન હોવાનું જણાઇ આવેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા પાલિકામાં ટેકનિકલ સંવર્ગ વર્ગ-૩ની આસી. એન્જીનીયર અને એડી. આસી. એન્જીનીયર (સીવીલ/મીકેનીકલ/ઇલેકટ્રીકલ) ની હાલની સીધી ભરતીની લાયકાતમાં ઉપલી વય મર્યાદામાં ૩૦ વર્ષના બદલે ૩૫ વર્ષ કરવાના સુધારો કરવામાં આવી શકે છે.
વડોદરા પાલિકામાં ટેકનિકલ સંવર્ગ૩માં આસી. એન્જીનીયર અને એડી. આસી. એન્જીનીયર (સીવીલ/મીકેનીકલ/ઇલેકટ્રીકલ)ની જગ્યા સીધી ભરતીથી ભરવાનું ધોરણ છે. જગ્યાઓની સીધી ભરતીના નિયમોની લાયકાતમાં ઉપલી વય મર્યાદા ૩૦ વર્ષ ઠરાવેલ છે. વય મર્યાદા મુજબ તાજેતરમાં સીધી ભરતીની ટેકનિકલ સંવર્ગ વર્ગ-૩માં આપવામાં આવેલ જાહેરાત અંતર્ગત પૂરતી સંખ્યામાં ઉમેદવારો પ્રાપ્ત થતા ન હોવાનું જણાય આવેલ છે.
સરકારના વર્ગ-૩ની સીધી ભરતીના કેટલીક જગ્યાઓમાં વય મર્યાદા ૩૫ વર્ષની હોવાનું જણાય છે. જે ધ્યાને લેતા વડોદરા પાલિકામાં ટેકનિકલ સંવર્ગ વર્ગ-૩ આસી. એન્જીનીયર અને એડી. આસી. એન્જીનીયર (સીવીલ/મીકેનીકલ/ ઇલેકટ્રીકલ)ની હાલની ઠરાવેલ ભરતીની લાયકાતમાં ઉપલી વય મર્યાદામાં ૩૫ વર્ષની ઉંમર કરવામાં આવી શકે છે. જેથી બહોળી સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષાને અંતે પાલિકાને યોગ્ય અને અનુભવી ઉમેદવારો મળી શકે.