પતિની હત્યા કરી પત્નીએ અકસ્માતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાત જન્મ સુધી સાથ આપવાના વચન આપનાર પત્નીએ જ પતિની હત્યા કરી દીધી હતી. જોકે, પહેલાં પત્નીએ આ હત્યાને અકસ્માતમાં બદલવાનું કાવતરૂ ઘડ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો. પોલીસે હત્યા કરનાર પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના વડગામ તાલુકનામાં વસુ ગામમાં શ્રવણજી ઠાકોર નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેથી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તુપાસ હાથ ધરી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા અને ગળે ટૂંપો આપી મોત નિપજ્યુ હતું. રિપોર્ટ સામે આવતા લોકલ પોલીસ, એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વૉડની અલગ-અલગ સાત ટીમ બનાવી હત્યારાને પકડવા માટે તપાસ શરૂ કરી. બાદમાં ૧૫ દિવસ બાદ પોલીસ તપાસમાં સફળ થઈ અને હત્યારાનો ખુલાસો થયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પોલીસને જ્યારે હત્યાની જાણ થઈ ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી શ્રવણજી ઠાકોરની પત્ની રેખા ઠાકોરે કબૂલાત કરી કે, રોજ-રોજના ઝઘડા અને ઘર કંકાશથી હું કંટાળી ગઈ હતી. જેના કારણે પહેલાં પતિને માથાના ભાગે દાતરડાથી વાર કર્યો અને બાદમાં બેભાન થઈ જતાં ખાટલાની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યાને અંજામ આપ્યો હતો.
નોંધનીય છે કે, પત્ની રેખાએ પહેલાં પતિની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો હતો. આખરે પત્ની પોલીસના સકંજામાં આવી ગઈ. પોલીસે હાલ પત્નીની ધરપકડ કરી લીધી છે અને તેના રિમાન્ડ માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે.