સાત વર્ષીય બાળક ગુમ થઇ ગયા બાદ ઝાડી ઝાંખરામાંથી મળ્યો મૃતદેહ
માસુમ બાળકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાપી શહેરના છીરી વિસ્તારમાં એક ૭ વર્ષીય બાળકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. શ્રમજીવી પરિવારનું બાળક ઘરથી ગુમ થઇ ગયું હતું. જે ઝાડી ઝાંખરામાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ અપહરણ અને બાળકની હત્યાનો ગુનો દાખલ કરી આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. ત્યારે આવો જણીએ શું છે સમગ્ર મામલો.
બનાવની વિગતો જોઈએ તો, વાપીના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં વડાપાવની લારી ચલાવતા એક પરિવારમાં અત્યારે શોકનો માહોલ છે. આ પરિવારનો સાત વર્ષીય ઓમ જીતકુમાર તંતી નામનું બાળક અચાનક ગુમ થઇ ગયું હતું. પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ આખી રાતની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી અને આખરે આ બાળકનો મૃતદેહ ઘરથી થોડી દૂર ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. આથી પોલીસે મૃતદેહનો કબજો લઈ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારથના ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આથી બાળકની તીક્ષ્ણ હથિયારથી હત્યા નીપજાવવામાં આવી હોય તેવું લાગતા પોલીસે આ મામલે હવે હત્યાનો પણ ગુનો દાખલ કરી આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. મૃતક બાળકનો પરિવાર ઘર નજીક વડાપાવની લારી ચલાવે છે. આ બાળક માતા-પિતા સાથે રાત્રે વડાપાવની લારી પર ગયું હતું. જોકે ત્યારબાદ તે ગુમ થઈ ગયું હતું. લાંબા સમય સુધી નહીં મળતા આખરે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને પોલીસમાં જાણ કરતા આખરે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.