ED એ મંત્રીની ૭૦ કરોડ રૂપિયાની ૧૦૧ વીઘા જમીન જપ્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી અને કોંગ્રેસ નેતા હરકસિંહ રાવત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી અને દેહરાદૂનમાં સ્થિત તેમની ૭૦ કરોડ રૂપિયાની ૧૦૧ વીઘા જમીન જપ્ત કરી છે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે, રાવતે કેટલાક લોકો સાથે મળીને દહેરાદૂનના સહસપુર સ્થિત આ જમીન પચાવી પાડવાનું કાવતરું ઘડ્યું હતું, જેના પછી ૨૦ જાન્યુઆરીએ ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની અરજી કરી હતી આ અંતર્ગત આદેશ જારી કરવામાં આવ્યો હતો, ૧૦૧ વીઘાના આ બે પ્લોટ અસ્થાયી રૂપે જોડવામાં આવ્યા હતા.
ED એ જણાવ્યું હતું કે અટેચ કરેલી જમીનની નોંધણી કિંમત માત્ર રૂ. ૬.૫૬ કરોડ છે, પરંતુ તેની વર્તમાન બજાર કિંમત રૂ. ૭૦ કરોડથી વધુ છે. ૬૪ વર્ષીય હરકસિંહ રાવત રાજ્યના પૂર્વ વન મંત્રી છે. ૨૦૨૨ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
ખાસ વાત એ છે કે આ એ જ જમીન છે, જેને લઈને હરકસિંહ રાવત અગાઉ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જોકે તપાસ બાદ તેમને કોર્ટમાંથી રાહત મળી હતી. ભાજપની સરકાર વખતે આ જમીનને લઈને હરકસિંહ રાવત પર ગાળિયો કસવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ ત્યારે પણ તપાસ એજન્સીઓ આ મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી કરી શકી ન હતી.
હરકસિંહ રાવત આ મામલે એવું કહીને કોર્ટમાં ગયા હતા કે મારા પર રાજકીય દ્વેષ રાખીને મને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. ત્યારબાદ તેમને કોર્ટમથી રાહત મળી હતી. આ પછી હરીશ રાવત સરકારમાં એક કમિટી બનાવવામાં આવી અને આ જમીનનો મામલો ખોલવામાં આવ્યો, પરંતુ તે પછી પણ તેના પર કંઈ થઈ શક્યું નહીં.
આવી સ્થિતિમાં હવે ત્રીજી વખત સહસપુરમાં તેમની આ જમીન હરકસિંહ રાવત માટે મુશ્કેલી બની ગઈ છે. આ વખતે કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ જમીન જપ્ત કરી છે. હરકસિંહ રાવતની મેડિકલ કોલેજ પણ આ જમીન પર છે. એવું કહેવામાં આવ્યું છે કે આ જમીનના વિવાદને લઈને ભૂતકાળમાં પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ ત્યારબાદ હરકસિંહ રાવતે તમામ કાગળો રજૂ કરતા આ મામલાને રાજકીય દ્વેષથી કરવામાં આવેલી કાર્યવાહી ગણાવ્યો હતો.
આ મામલે હરકસિંહ રાવતે કહ્યું કે, મને હજુ સુધી આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો મને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આવી કોઈ કાર્યવાહી વિશે સત્તાવાર માહિતી આપવામાં આવશે, તો હું તેના પર કાનૂની લડાઈ લડીશ. આ જમીન પર તપાસ થઈ ચૂકી છે અને અમને ક્લીનચીટ પણ મળી ગઈ છે.