Last Updated on by Sampurna Samachar
કિશોરના પિતાએ આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણ સમયે પતંગની દોરીના કારણે ઘણા બધા લોકોના વાહન ચલાવતા સમયે ગળા કપાઈ જતા હોય છે અને ઘણા બધા લોકો ઘાયલ પણ થાય છે. ત્યારે સુરતના સચિન GIDC વિસ્તારમાં કરંટ લાગ્યા બાદ એક કિશોરનું મૃત્યુ થયું છે.
કિશોર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમ્યાન પતંગ હાઈ ટેન્શન લાઈનમાં ફસાઈ ગઈ હતી જેને કાઢવા જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. જે બાદ કિશોરને કરંટ લાગ્યો હતો. કિશોરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કિશોરનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. કિશોરના મૃત્યુથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો એવી છે કે સુરત શહેરમાં ઉતરાયણ પર્વને લઈને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં ૧૩ વર્ષનો પ્રિન્સ ચૌધરી નામનો કિશોર પતંગ ચગાવી રહ્યો હતો. ત્યારે હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી ત્યારબાદ દોરીમાં પાવર આવી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો. તપાસ કરતા ખબર પડી કે પ્રિન્સ ૧૮૦૦૦ વોટની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા વીજકરંટથી દાઝી ગયો હતો. ૧૦૮ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
કિશોરના પિતા પીન્ટુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો અને હાઈટેનશન લાઈનમાં પતંગ ફસાઈ ગયો હતો અને દોરી હાથમાં હતી જેમાં મારા દીકરાને કરંટ લાગ્યો હતો કાલે અઢી વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મારા દીકરાનું નામ પ્રિન્સ ચૌધરી હતું અને તે ધો.૪માં અભ્યાસ કરતો હતો.