Last Updated on by Sampurna Samachar
દેહરાદુનના કોતવાલી શહેરમાં નોંધાવી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ડો. રમેશ પોખરિયાલની પુત્રી અને અભિનેત્રી-નિર્માત્રી આરુષિ નિશંક સાથે છેતરપિંડી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રીપોર્ટસ અનુસાર, તેણે મુંબઈના ફિલ્મ નિર્માતા માનસી અરુણ બાગલા અને વરુણ પ્રમોદ કુમાર બાગલા સામે ચાર કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દેહરાદુનના કોતવાલી શહેરમાં નોંધાવી છે. આ કેસમાં આરુષિએ માત્ર છેતરપિંડીનો જ આરોપ નથી લગાવ્યો, પરંતુ માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ લગાવ્યો છે.
પોતાની ફરિયાદમાં આરુષિએ જણાવ્યું હતું કે, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની લાલચ આપી અને મોટા નફાનું વચન આપીને મારા પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. આરુષિની પોતાની પ્રોડક્શન કંપની છે જેનું નામ હિમશ્રી ફિલ્મ્સ છે અને તે ફિલ્મોનું નિર્માણ કરે છે. પોતાની ફરિયાદમાં તેણે સમગ્ર ઘટનાની વિગતો આપી હતી.
આરુષિએ કહ્યું હતું કે, મુંબઈના નિર્માતા માનસી અને વરુણે એક ફિલ્મને લઈને મારો સંપર્ક કર્યો હતો. બંનેએ મને પોતે મીની ફિલ્મ પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશક હોવાનું જણાવીને કહ્યું હતું કે, તેઓ એક ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં બનાવી રહ્યા છે. જેમાં શનાયા કપૂર અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં હશે. તેમને મને આ ફિલમાં લીડ હિરોઈન બનાવવાની વાત કહી હતી.
નિર્માતાઓ પર આરોપ નાખતા આરુષિએ કહ્યું હતું કે, તેમણે મને એક ઓફર આપતા કહ્યું હતું કે, જાે તમે ફિલ્મમાં ૫ કરોડનું રોકાણ કરશો તો તમને માત્ર લીડ રોલ જ નહી પરંતુ નફાના ૨૦ ટકા પણ આપવામાં આવશે અને જાે આ રોલ મને પસંદ ન આવે તો તેમણે મને વચન આપ્યું હતું કે તેઓ મને ૧૫ ટકા રૂપિયા વ્યાજ સહિત પાછા આપી દેશે. ત્યારબાદ ૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ હિમશ્રી ફિલ્મ્સ અને મીની ફિલ્મ્સ વચ્ચે એક MOU પર હસ્તાક્ષર થયા હતા. ત્યારે મેં તેમને બે કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ મેં નવેમ્બરમાં અનુક્રમે એક કરોડ, ૨૫ કલાક અને ૭૫ લાખ ચૂકવ્યા હતા.
આ સિવાય વધુમાં આરુષિએ જણાવ્યું હતું કે, ન તો ફિલ્મની સ્ક્રીપ્ટ ફાઈનલ થઇ અને ન તો તેનું પ્રમોશન કરવામાં આવ્યું. જ્યારે મને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી ત્યારે મેં તેમની પાસેથી રૂપિયા પાછા માંગ્યા હતા. પરંતુ નિર્માતાએ કહ્યું હતું કે, ભારતમાં શૂટિંગ પૂરું થઇ ગયું છે અને હવે યુરોપમાં શૂટિંગ ચાલુ કરવામાં આવશે.
ત્યારબાદ સોશિયલ મીડિયામાં જે તસવીરો પોસ્ટ કરવામાં આવી તેમાં મને જાણી જોઇને બહાર કરી દેવામાં આવી હતી. આ સિવાય મને અને મારા પરિવારને ધમકી પણ આપવામાં આવી કે, જો હું આ મામલાને આગળ લઇ જઈશ તો તે મને જાનથી મારી નાખશે. હવે આરુષિએ ગંભીર મામલાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.