Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન મોદીએ વિદેશ જઇ લગ્ન કરનારાઓને કરી અપીલ
લગ્ન કરવા માટે ઉત્તરાખંડ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત હર્ષિલ પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ ફરી વિદેશમાં લગ્ન કરનારાઓને અપીલ કરતા જોવા મળ્યા હતા. જેમાં PM મોદીએ કહ્યું કે લોકો વિદેશના સ્થળોને વેડિંગ ડેસ્ટિનેશન બનાવે છે. જાહેર સભાને સંબોધતા તેમણે આવા લોકોને સવાલ પૂછ્યો કે, અહીં શું તકલીફ છે, અહીં પૈસા ખર્ચ કરો ને. મોદીએ કહ્યું કે મેં અગાઉ પણ ‘વેડ ઈન ઈન્ડિયા’ની અપીલ કરી હતી. તેમણે લગ્ન માટે ઉત્તરાખંડને પોતાની પસંદગી બનાવવા માટે પણ અપીલ કરી છે.

હર્ષિલની જનતાને સંબોધતા PM મોદીએ કહ્યું કે આજકાલ લોકો લગ્ન કરવા માટે વિશ્વના વિવિધ દેશોમાં જાય છે. ભાઈ, અહીં શું વાંધો છે, પૈસા અહીં ખર્ચ કરો ને. ઉત્તરાખંડને ફેવરિટ વેડિંગ ડેસ્ટિનેશન બનાવો. હું બધા લોકોને કહેવા માંગુ છું કે શિયાળાની ઋતુમાં ઉત્તરાખંડને લગ્ન માટે પોતાનું ફેવરિટ ડેસ્ટિનેશન બનાવો.
દર વર્ષે લગભગ ૫૦ લાખ યાત્રાળુઓ આવવા લાગ્યા
PM મોદીએ વધુમાં કહ્યું કે આપણા દેશમાં લગ્નો પર હજારો કરોડ રૂપિયા ખચર્વામાં આવે છે. તમને યાદ હશે કે મેં લોકોને ભારતમાં લગ્ન કરવાની વિનંતી કરી હતી. ભારતમાં લગ્ન કરો. તેમણે વધુમાં કહ્યું કે હું ઈચ્છું છું કે ભારતના લોકો શિયાળામાં લગ્ન માટે ઉત્તરાખંડને પ્રાથમિકતા આપે. આ સાથે તેમણે શિયાળાની ઋતુમાં ઉત્તરાખંડમાં શૂટિંગ માટે ફિલ્મ નિમાર્તાઓને પણ આમંત્રણ આપ્યું છે.

ઉત્તરાખંડમાં પ્રવાસન સંભાવના અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દાયકામાં ઉત્તરાખંડ (UTTRAKHAND) માં પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ૨૦૧૪ પહેલા દર વર્ષે સરેરાશ ૧૮ લાખ યાત્રાળુઓ ચારધામ યાત્રાએ જતા હતા. હવે દર વર્ષે લગભગ ૫૦ લાખ યાત્રાળુઓ આવવા લાગ્યા છે. આ વષર્ના બજેટમાં ૫૦ પ્રવાસન સ્થળો વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સ્થળોએ હોટલોને માળખાગત સુવિધાનો દરજ્જો આપવામાં આવશે. તેનાથી પ્રવાસીઓ માટે સુવિધાઓ વધશે અને સ્થાનિક રોજગારમાં પણ વધારો થશે.