Last Updated on by Sampurna Samachar
ખીર ગંગા વિસ્તારમાં વાદળ ફાટ્યું
ભૂસ્ખલનની ઘટના અંગે હેલ્પલાઇન નંબર જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી તબાહીના સમાચાર સામે આવ્યા છે. ધરાલી વિસ્તારમાં વાદળ ફાટવાથી પહાડો પરથી એટલું મોટું પૂર આવ્યું કે ઘરો, દુકાનો અને ઇમારતો બધું જ તણાઇ ગયું છે. તેમજ અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.

ઉત્તરાખંડ ફરી એકવાર કુદરતી આફતની ઝપેટમાં આવી ગયું છે. ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં ખીર ગંગા વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. ભારે વરસાદ અને પૂરના કારણે ગામ ડૂબી ગયું, જેમાં અનેક ઘરો ધોવાયા છે અને ગંગોત્રી ધામનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
પાણીનું સ્તર હજુ પણ ખતરાના નિશાન પર
ઘટના પછી તરત જ SDRF , NDRF સેના, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગે પરિસ્થિતિને ખૂબ જ ગંભીર ગણાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે અને પાણીનું સ્તર હજુ પણ ખતરાના નિશાન પર છે.
ધરાલી ગામ નજીક ખીર ગઢ નાળામાં અચાનક પાણીનો પ્રવાહ એટલી ઝડપથી વહેવા લાગ્યો કે બજાર, ઘરો, દુકાનો, બધું જ તેની ઝપેટમાં આવી ગયું. સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છે અને ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ પીડિતો જલ્દી સ્વસ્થ થાય તેની પ્રાર્થના કરુ છું.મેં મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો દરેક શક્ય પ્રયાસમાં રોકાયેલી છે. લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ઘટના પર દૂખ વ્યક્ત કરતા દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી છે. પ્રશાસન દ્વારા લોકોને નદીઓ અને નાળાઓ નજીક ન જવા અને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. હર્ષિલ વિસ્તારમાં ખીર ગઢનું પાણીનું સ્તર હજુ પણ ઊંચું છે, જેના કારણે વધુ નુકસાન થવાની શક્યતા છે.
ઉત્તરકાશી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાદળ ફાટવાની અને ત્યારબાદ ભૂસ્ખલનની ઘટના અંગે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે આ નંબર દ્વારા તમે પ્રિયજનો સાથે વાત કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. આ નંબરો ૦૧૩૭૪-૨૨૨૧૨૬, ૨૨૨૭૨૨, ૯૪૫૬૫૫૬૪૩૧ છે.