Last Updated on by Sampurna Samachar
દુર્ઘટનામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનના ભીમતાલમાં અલ્મોડાથી હલ્દવાની જઈ રહેલી બસ ઊંડી ખાઈમાં ખાબકતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનના ભીમતાલમાં આજે એક મોટો અકસ્માત થયો છે. અલ્મોડાથી હલ્દવાની તરફ આવી રહેલી રોડવેઝની બસ ભીમતાલ-રાણીબાગ મોટર રોડ પર આમદલી પાસે ૧૫૦૦ ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી.બસ ખાઈમાં પડી જતાં બસમાં મુસાફરી કરી રહેલા ૨૭ લોકો વેરવિખેર થઈ ગયા હતા અને અહીં-તહીં પડ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ છે.
અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ઘાયલોને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી દોરડા અને ખભા પર લઈ જઈને રસ્તા પર લાવવામાં આવ્યા હતા. વહીવટી કર્મચારીઓને એલર્ટ કરી સુશીલ તિવારીને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમજ ૧૫ એમ્બ્યુલન્સને હલ્દવાની મોકલવામાં આવી હતી. ત્યારે રેસ્ક્યુ ટીમોએ મોટા પાયે કામ કરી લોકોને બહાર કાઢ્યા હતા.