Last Updated on by Sampurna Samachar
ભારતમાં દુષ્કર્મ સહિત હિંસાના કેસોમાં થઇ રહ્યો છે વધારો
અમેરિકાએ ભારતમાં કેટલાક સ્થળોનો પણ ઉલ્લેખ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકન વિદેશ વિભાગ દ્વારા પોતાના નાગરિકોને ભારતમાં મુસાફરી કરતી વખતે વધુ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે. જેના માટે તેમણે ક્રાઇમ, આતંકવાદ અને સરહદી વિસ્તારોમાં સંભવિત સૈન્ય અથડામણનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે, ભારતમાં દુષ્કર્મ સહિત હિંસાના કેસો ઝડપથી વધી રહ્યા છે. તેથી અમેરિકન મહિલાઓને ભારતમાં એકલી મુસાફરી ન કરવા જણાવવામાં આવ્યું છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે તેની વેબસાઇટ પર એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પ્રવાસન સ્થળો અને અન્ય સ્થળોએ જાતીય હુમલા સહિતના હિંસક ગુનાઓ થાય છે. પ્રવાસીઓ પર અચાનક અથવા ચેતવણી વિના હુમલો થઈ શકે છે. તેઓ (ગુનેગારો) પ્રવાસન સ્થળોની સાથે પરિવહન સુવિધાઓ, બજારો, શોપિંગ મોલ અને સરકારી સુવિધાઓને પણ નિશાન બનાવી શકે છે.
જમ્મુ અને કાશ્મીરના વિસ્તારમાં ન જાઓ
અમેરિકાએ ભારતમાં કેટલાક સ્થળોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ઈમરજન્સીની સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોમાંથી અમેરિકન નાગરિકોને બહાર કાઢવા માટે અમેરિકન સરકાર પાસે મર્યાદિત પહોંચ છે. આ વિસ્તારો છે – પૂર્વ મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગાણાથી લઈને પશ્ચિમ પશ્ચિમ બંગાળ સુધી છે.
માઓવાદી કટ્ટરપંથી સમૂહ અથવા નક્સલવાદી ભારતના એક મોટા વિસ્તારમાં ખૂબ જ સક્રિય છે, જે પૂર્વ મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગાણાથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલા છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરહદે આવેલા છત્તીસગઢ અને ઝારખંડના ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય સરકારી અધિકારીઓ પર અવારનવાર હુમલાઓ થાય છે.
ઓડિશાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો પણ આનાથી પ્રભાવિત છે. નક્સલીઓએ સ્થાનિક પોલીસ, અર્ધલશ્કરી દળો અને સરકારી અધિકારીઓને નિશાન બનાવીને અનેક આતંકવાદી હુમલાઓ કર્યા છે. જોખમોને ધ્યાનમાં રાખીને, ભારતમાં કામ કરતા અમેરિકન સરકારી કર્મચારીઓને આ વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલા ખાસ પરવાનગી લેવી પડશે.
અમેરિકાએ કહ્યું છે કે, જો તેના કર્મચારીઓ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને ઓડિશાની રાજધાનીની મુસાફરી કરી રહ્યા હોય, તો તેમને પરવાનગી લેવાની જરૂર નથી. પરંતુ જો તેમને આ રાજ્યોમાં રાજધાની સિવાય અન્ય કોઈ વિસ્તારમાં જવું પડે, તો તેમને ખાસ પરવાનગીની જરૂર પડશે. હિંસા અને ગુનાના જોખમને કારણે મણિપુરની મુસાફરી કરવાનું ટાળો. જાતીય સંઘર્ષને કારણે વ્યાપક હિંસા અને સમુદાયનું વિસ્થાપન થયું છે.
જાતિય બળવાખોર જૂથો ક્યારેક ક્યારેક પૂર્વોત્તરના અમુક ભાગોમાં હિંસા આચરે છે. આસામ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ કે ત્રિપુરામાં તાજેતરમાં હિંસાના કોઈ અહેવાલ નથી. ભારતમાં કામ કરતા અમેરિકન સરકારી કર્મચારીઓને સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશ, તેમજ આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા રાજ્યોની રાજધાની શહેરોની બહારના કોઈપણ વિસ્તારોની મુલાકાત લેતા પહેલા પૂર્વ પરવાનગી લેવી પડશે.
અમેરિકાના વિદેશ વિભાગે પોતાના નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આતંકવાદ અને નાગરિક અશાંતિને કારણે જમ્મુ અને કાશ્મીરના વિસ્તારમાં ન જાઓ. જોકે, તેમણે પૂર્વી લદ્દાખ ક્ષેત્ર અને લેહને આ ચેતવણીથી દૂર રાખ્યા છે. અમેરિકાએ કાશ્મીર ખીણના પર્યટન સ્થળો શ્રીનગર, ગુલમર્ગ અને પહલગામમાં હિંસાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે, અમેરિકન સરકારે એમ પણ કહ્યું છે કે તેના નાગરિકોએ ભારત-નેપાળ સરહદ પાર કરવા માટે રોડ રૂટનો ઉપયોગ કરવો જોઈએ.