Last Updated on by Sampurna Samachar
૫૦ અબજ ડોલરના ભારતીય નિકાસ પરના દબાણને ઘટાડી શકે
સરકારના મોટા અધિકારીએ દાવો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ ૫૦% ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદી પર લાદવામાં આવેલ ૨૫% ટેરિફને હટાવી શકાય છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને આ આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં ભારતીય માલ પરનો વધારાનો ટેરિફ દૂર કરી શકે છે અને પારસ્પરિક ટેરિફ ઘટાડીને ૧૦ થી ૧૫% કરી શકે છે. સીઈએએ ભારત-અમેરિકા વેપાર કરાર પર પ્રગતિનો પણ સંકેત આપ્યો હતો.
કોલકાતામાં એક કાર્યક્રમમાં બોલતા સીઈએ નાગેશ્વરને કહ્યું કે તેમને અપેક્ષા છે કે આગામી ૮થી ૧૦ અઠવાડિયામાં ટેરિફનો મુદ્દો ઉકેલાઈ જશે. તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે આગામી થોડા મહિનામાં ઓછામાં ઓછા ૨૫% વધારાના ટેરિફનો ઉકેલ મળી જશે.” બિઝનેસ ટુડેમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, નાગેશ્વરને વધુમાં જણાવ્યું હતું કે વેપાર કરાર અંગે બંને દેશો વચ્ચે વાટાઘાટોમાં તેજીના સંકેતો છે, જે આશરે ૫૦ અબજ ડોલરના ભારતીય નિકાસ પરના દબાણને ઘટાડી શકે છે.
લગભગ સાત કલાક લાંબી ચર્ચા કરી હતી
ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર સોદો કૃષિ અને ડેરી ઉત્પાદનો સહિતના મુદ્દાઓ પર અટકી ગયો હતો અને ટ્રમ્પના વધારાના ટેરિફ પછી વાટાઘાટો અટકી ગઈ હતી. જોકે, તાજેતરમાં યુએસ પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર PM મોદીને તેમના સારા મિત્ર ગણાવ્યા હતા અને વેપાર સોદાના સફળ નિષ્કર્ષનું વચન આપ્યું હતું. આ પછી આ અઠવાડિયાની શરૂઆતમાં યુએસ મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિંચે વેપાર સોદા પર છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો માટે નવી દિલ્હીની મુલાકાત લીધી હતી અને ભારતના મુખ્ય વેપાર વાટાઘાટકાર રાજેશ અગ્રવાલ સાથે લગભગ સાત કલાક લાંબી ચર્ચા કરી હતી.