Last Updated on by Sampurna Samachar
શી જિનપિંગ અમેરિકાની મુલાકાત લેશે
ચીન સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ ૬ વર્ષ પછી મળ્યા હતા. તેઓ દક્ષિણ કોરિયાના બુસાનમાં મળ્યા હતા. આ બેઠક બાદ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પે ચીન પર ટેરિફ ઘટાડતા કહ્યું કે, ચીન સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. વેપાર સોદા અંગે અપડેટ ટૂંક સમયમાં આપવામાં આવશે. હાલ, અમેરિકાએ ચીન પર ટેરિફ ૧૦ ટકા ઘટાડ્યો છે.

અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “જેમ તમે જાણો છો, મેં ફેન્ટાનાઇલને કારણે ચીન પર ૨૦ ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ તેમની ચિંતાઓ સાંભળ્યા પછી, મેં તેને ૧૦ ટકા ઘટાડી દીધો છે, જે તાત્કાલિક અસરકારક છે.” ટ્રમ્પે જણાવ્યું કે, ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. તેમણે ચીન પર ટેરિફ ૫૭% થી ઘટાડીને ૪૭% કરવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ એપ્રિલમાં ચીનની મુલાકાત લેશે અને ટૂંક સમયમાં વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે. ત્યારબાદ શી જિનપિંગ અમેરિકાની મુલાકાત લેશે.
બંને દેશો ટૂંક સમયમાં મોટા વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે
મીટિંગ બાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી કે, ચીનથી આયાત થતી વસ્તુઓ પર ભારે ટેરિફ ૫૭% થી ઘટાડીને ૪૭% કરવામાં આવશે. ટ્રમ્પે આ બેઠકને ઉત્તમ ગણાવી અને કહ્યું કે, બેઠક દરમિયાન ઘણા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. આ ૧૦% ઘટાડો વેપાર સંબંધોને સામાન્ય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ શરૂઆત માનવામાં આવે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ પણ ભાર મૂક્યો કે, બંને દેશો ટૂંક સમયમાં એક મોટા વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે, તેઓ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ચીન જશે. આ જાહેરાતને બે મહાસત્તાઓ વચ્ચેના વેપાર સંબંધોમાં નવી શરૂઆતના સંકેત તરીકે જાેવામાં આવી રહી છે.
આ બેઠકનું બીજું મહત્વપૂર્ણ પરિણામ રેયર અર્થ તત્વોને લગતું હતું, જેની સપ્લાય પર ચીનનો દબદબો છે. ટ્રમ્પે કહ્યું કે, “રેયર અર્થ માટે કોઈ અવરોધો નથી. આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે.” ટ્રમ્પ સાથે મુસાફરી કરી રહેલા એક વરિષ્ઠ યુએસ અધિકારીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ચીન આ મહત્વપૂર્ણ તત્વોની નિકાસ કરવાનું ચાલુ રાખશે. આ સમાચાર ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રો માટે મોટી રાહત છે, કારણ કે આ ઉદ્યોગોની સપ્લાય ચેઇન આ તત્વો પર ખૂબ આધાર રાખે છે અને સપ્લાયમાં વિક્ષેપ પડવાનું જોખમ હતું.