Last Updated on by Sampurna Samachar
‘ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી લાવી દઈશ’
ટ્રમ્પ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અમેરિકી પ્રમુખ પદ સંભાળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શપથગ્રહણ પહેલા જ પોતાના તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટિનિયન ગ્રુપ હમાસને સીધી ધમકી આપી છે અને તેમણે કહ્યું કે, જો તેમના શપથગ્રહણ પહેલા ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો તેઓ મધ્ય પૂર્વમાં તબાહી લાવશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિવાદ પર બોલતા ટ્રમ્પે કહ્યું કે, જો ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ પહેલા બંધકોને છોડવામાં નહીં આવે તો મિડલ ઈસ્ટને ભારે કિંમત ચૂકવવી પડશે. હકીકતમાં, ટ્રમ્પ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અમેરિકી પ્રમુખ પદ સંભાળશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, જેણે માનવતા વિરુદ્ધ અત્યાચાર કર્યા છે તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે હમાસ દ્વારા ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવવાને હિંસક અને અમાનવીય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ એવા બંધકો વિશે વાત કરી રહી છે જેમને ખૂબ જ હિંસક, અમાનવીય રીતે અને સમગ્ર વિશ્વની ઇચ્છા વિરુદ્ધ રાખવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે આ મામલે અગાઉની વાટાઘાટોની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે, બંધકોને લઈને ઘણી વાતો થઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, બંધક બનાવવા માટે જવાબદાર લોકો સામે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વિદેશી સંસ્થાઓ સામે અગાઉની કોઈપણ કાર્યવાહી કરતાં મોટી ક્ષમતામાં કાર્યવાહી કરવામાં આવશે. બંધકોને હવે મુક્ત કરો. નહીંતર એવો હુમલો થશે જેની તેઓ કલ્પના પણ નહીં કરી શકે.
ઉલ્લેખનીય છે કે, ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. ૧,૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૨૫૦થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ ૧૦૦ હજુ પણ કેદમાં છે અને ઘણાના મૃત્યુની આશંકા છે. જવાબમાં, ઇઝરાયેલે ગાઝામાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને વળતો હુમલો કર્યો. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ૪૫,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા.