Last Updated on by Sampurna Samachar
યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઈકલ ડબલ્યુ. બેંક્સે વિડીયો શેર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત મોકલવામાં આવેલા ૧૦૪ ભારતીયોનો મુદ્દો દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આના વિરોધમાં વિપક્ષી સાંસદો સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન, યુએસ બોર્ડર પેટ્રોલ (UBSP) એ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને યુએસ લશ્કરી વિમાન દ્વારા ભારત મોકલવામાં આવી રહ્યાનો એક વીડિયો બહાર પાડ્યો છે.
યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઈકલ ડબલ્યુ. બેંક્સે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને કહ્યું કે, UBSP અને ભાગીદારોએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક ભારતમાં મોકલ્યા છે. આ અમેરિકાથી અત્યાર સુધીની સૌથી દૂરની ઉડાન હતી. જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો, તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે.
જણાવી દઈએ કે, આ રીતે ભારતીયોની વાપસીને લઈને દેશમાં હોબાળો મચી ગયો છે. આ અંગે વિપક્ષી નેતાઓ સંસદમાં વિરોધ કરી રહ્યા છે. અમેરિકાએ મોકલેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સમાંથી ૩૧ પંજાબના, ૩૩ હરિયાણાના, ૩૩ ગુજરાતના, ૩ ઉત્તર પ્રદેશના, ૪ મહારાષ્ટ્રના અને ૨ ચંદીગઢના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીયોને દેશનિકાલ કરવાનો ખર્ચ અમેરિકન સરકાર ઉઠાવશે.
ભારતીયોને દેશનિકાલ કર્યા પછી, યુએસ એમ્બેસીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો તો તમને પાછા મોકલી દેવામાં આવશે. આપણા દેશના ઇમિગ્રેશન કાયદાઓને મજબૂત બનાવવા એ અમેરિકન સુરક્ષા અને આપણા લોકોના હિત માટે મહત્વપૂર્ણ છે. અમારી નીતિ એ છે કે, શક્ય તેટલી સંપૂર્ણ હદ સુધી ઇમિગ્રેશન કાયદાઓનો અમલ કરીએ.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે આ કાર્યવાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન ડીસીની મુલાકાતના થોડા દિવસો પહેલા જ કરવામાં આવી છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યાપક વાટાઘાટો કરશે. અમદાવાદ ખાતે ૩૩ ગુજરાતીઓને પણ લાવવામાં આવ્યા હતા. જેની પૂછપરછ બાદ તેમને ઘરે મોકલવામાં આવ્યા હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે.