Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પના નિર્ણયનો તેમના સમર્થકોએ જ ભારે વિરોધ નોંધાયો
ચીન સાથે સારા સંબંધો બનાવીશું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક આશ્ચર્યજનક ર્નિણય લીધો છે. તેમણે અમેરિકન યુનિવર્સિટીઓમાં ૬ લાખ ચીની વિદ્યાર્થીઓને ભણવાની મંજૂરી આપી દીધી છે, જ્યારે તેમની સરકાર પહેલાથી જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કડક વલણ અપનાવી રહી હતી. જોકે, ટ્રમ્પના આ ર્નિણયનો દેશની અંદર જ વિરોધ શરૂ થયો છે. ટ્રમ્પના આ ર્નિણયનો વિરોધ તેમના પોતાના સમર્થકો કરી રહ્યા છે.
આ સમર્થકો ‘મેક અમેરિકા ગ્રેટ અગેન‘ના પ્રણેતા છે. તેમનું માનવું છે કે ટ્રમ્પે તેમને દગો આપ્યો છે અને ‘અમેરિકા ફર્સ્ટ‘ની નીતિને અવગણી છે. ટ્રમ્પે વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચેના સંબંધોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવ્યા, જે તેમની જૂની નીતિથી તદ્દન વિપરીત છે. અગાઉ તેમણે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી કે સંવેદનશીલ સંશોધન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાની વાત કરી હતી.
ચીની વિદ્યાર્થીઓ પર કોઈ અસર થશે નહીં
ઓવલ ઓફિસમાંથી પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, ‘અમે તેમના વિદ્યાર્થીઓને આવવા દઈશું. આ ખૂબ જ જરૂરી છે, ૬ લાખ વિદ્યાર્થીઓ… આ ખૂબ મહત્ત્વનું છે. પરંતુ અમે ચીન સાથે સારા સંબંધો બનાવીશું.‘જોકે, તેમણે બીજિંગને એ પણ ચેતવણી આપી કે જો અમેરિકાને ‘રેર અર્થ મેગ્નેટ‘નો પુરવઠો નહીં મળે, તો ચીનને ૨૦૦% ટેરિફનો સામનો કરવો પડશે. પરંતુ તેમણે ખાતરી આપી કે બંને દેશો વચ્ચેના વ્યાપારી તણાવની ચીની વિદ્યાર્થીઓ પર કોઈ અસર થશે નહીં અને તેઓ અમેરિકામાં અભ્યાસ કરી શકશે.
ટ્રમ્પનું આ નિવેદન બહાર આવતા જ તેમના કટ્ટર સમર્થકો ભડકી ઉઠ્યા. આ સમર્થકો MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેન) આંદોલન સાથે જોડાયેલા છે. તેમણે આ ર્નિણયને ‘અમેરિકા ફર્સ્ટ‘ની નીતિ સાથે દગો ગણાવ્યો. MAGA ના સમર્થક લૌરા લૂમરે ટ્રમ્પના ર્નિણયની આકરી ટીકા કરી અને ચીની વિદ્યાર્થીઓને CCP જાસૂસ ગણાવ્યા.