Last Updated on by Sampurna Samachar
સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મહિલા સંચાલક સામે ગુનો દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના યુવાનને યુરોપના લકઝમબર્ગ ખાતે નોકરી અપાવવાનું કહી ૪.૪૯ લાખ પડાવી લેનાર વડોદરાની શ્રી રંગ કન્સલટન્સીના મહિલા સંચાલક સામે વધુ એક ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
અમદાવાદ સરખેજ વિસ્તારમાં ઉજાલા સર્કલ નજીક વ્રજધામમાં રહેતા આશિષકુમાર ચંદ્રકાંતભાઇ પટેલ અમદાવાદમાં વોડાફોન ઇન્ટરનેશનલ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેઓએ આ મામલે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા અનુસાર તેઓને યુરોપમાં લક્ઝમબર્ગ જવાની ઇચ્છા હોવાથી તેમના ઓળખીતા દિપાલીબેન શાસ્ત્રીને વાત કરી હતી. દિપાલીબેન થકી તેમની ઓળખાણ વડોદરામાં શ્રી રંગ કન્સલટન્સીના નામે ઓફિસ ચલાવતા ખુશાલી ઉપાધ્યાય સાથે થઇ હતી. જેના પગલે વડોદરાના સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે સમન્વય સિલિકોન ખાતે ગત તારીખ ૧૯મી મેના રોજ ખુશાલીને મળ્યો હતો. તેમણે લકઝમબર્ગ જવા માટે નવ લાખનો ખર્ચ થશે. તેવું જણાવ્યું હતું. જેની સામે આશિષકુમાર પટેલે હા પાડી હતી.
તેમનો પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ અને માર્કશીટો ખુશાલી ઉપાધ્યાયને મોકલ્યા હતા. તેની સાથે તેમણે સાડા ચાર લાખ હમણા અને બાકીના સાડા ચાર લાખ યુરોપ ગયા પછી પગારમાંથી કાપવાનું કહ્યું હતું. ખુશાલીએ આપેલો એપોઇન્ટમેન્ટ લેટર લઇને તે દિલ્હી વી.એફ.એસ. ગ્લોબલની ઓફીસમાં ગયા હતા. ત્યાં ગયા પછી તેમને જાણવા મળ્યું હતું કે, એપોઇન્ટમેન્ટ લેટર ખોટો છે. ત્યારબાદ તેમને શંકા જતા તેમણે રૃપિયા પરત માંગ્યા હતા. પરંતુ, તેમણે આપેલા ૪.૪૯ લાખ ખુશાલીએ પરત આપ્યા ન હતા.
આ ઉપરાંત વડોદરાના છાણી સોખડા રોડ પર રવિ શિખર ફ્લેટમાં રહેતા નિરવભાઇ રમેશભાઇ રાઠોડના ઔભાઇ હર્ષ રાઠોડને પણ યુરોપના લકઝમબર્ગ મોકલવાના બહાને ખુશાલી ઉપાધ્યાયે ત્રણ લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યુ હતુ. આખરે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.