Last Updated on by Sampurna Samachar
સ્પાઈસ જેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર હુમલાની જાણ કરી
એરલાઇન્સના ચાર કર્મચારીઓ ઈજાગ્રસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG – ૩૮૬ ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઈસ જેટના કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એરલાઇન્સના ચાર કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે, ૨૬ જુલાઈ ૨૦૨૫ના દિવસે, શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG -૩૮૬ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઈસ જેટના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો હતો. અમારા કર્મચારીઓને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા, જેના કારણે કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું અને એક કર્મચારીને જડબામાં ગંભીર ઇજાઓ થઈ હતી.
એરલાઇન્સે જણાવ્યું હતું કે, સ્પાઈસ જેટનો એક કર્મચારી બેભાન થઈ ગયો હતો, પરંતુ મુસાફરે બેભાન કર્મચારીને પણ લાતો, મુક્કા મારવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન, બીજો કર્મચારી તેના બેભાન સાથીદારને મદદ કરવા માટે નીચે ઝૂક્યો, ત્યારે આ શખસે તેને જડબા પર જોરથી લાત મારી, જેના કારણે તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મુસાફરને નો-ફ્લાઇ લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક મુસાફર જે એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, કુલ ૧૬ કિલો વજનના બે કેબિન સામાન લઈને જઈ રહ્યો હતો, જે ૭ કિલોની મર્યાદા કરતાં બમણાથી વધુ હતો. જ્યારે તેને વધારાના સામાન વિશે નમ્રતાપૂર્વક જાણ કરવામાં આવી અને લાગુ ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે મુસાફરે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં ઘુસી ગયો- જે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.
ત્યારબાદ CISF નો એક અધિકારીએ તેને ગેટ પર પાછો લઈ ગયો. ગેટ પર, મુસાફરનું વર્તન વધુ આક્રમક થઈ ગયું અને તેણે સ્પાઈસ જેટના ચાર ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો પર હુમલો કર્યો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એરલાઇને નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર આ મુસાફરને નો-ફ્લાઇ લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સ્પાઈસ જેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને પોતાના કર્મચારી પર થયેલા હુમલાની જાણ કરી છે અને મુસાફર સામે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. એરલાઇને એરપોર્ટ અધિકારીઓ પાસેથી ઘટનાના CCTV ફૂટેજ મેળવીને પોલીસને સોંપી દીધા છે.