Last Updated on by Sampurna Samachar
સ્મોલ ફાઈનાન્સ બેન્કોને UPI ક્રેડિટ લાઈન મારફત લોન આપવાની મંજૂરી અપાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
RBI ના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ જાળવી રાખવાની સાથે કેશ રિઝર્વ રેશિયોમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત UPI પેમેન્ટની દિશામાં પણ મહત્ત્વનો ર્નિણય લીધો છે, જે અંતર્ગત લોકો હવે UPI મારફતે પણ સરળતાથી અને ઝડપી લોન લઈ શકશે.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, RBI એ UPI ક્રેડિટ લાઈન માટે મહત્ત્વનો ર્નિણય લીધો છે. હવે સ્મોલ ફાઈનાન્સ બેન્કોને પણ UPI ક્રેડિટ લાઈન મારફત લોન આપવાની મંજૂરી અપાઈ છે. જેનાથી નાના વેપારીઓ સહિત ઘણાં લોકોને સરળતાથી લોન મળી શકશે.
UPI ક્રેડિટ લાઈનની શરૂઆત ડિસેમ્બર, ૨૦૨૩માં થઈ હતી. સામાન્ય લોકો સુધી લોન પહોંચાડવાના ઉદ્દેશ સાથે તૈયાર કરાયેલી ફાઈનાન્શિયલ પ્રોડક્ટ છે. જે અંતર્ગત બેન્ક ગ્રાહકને પ્રિ-અપ્રુવ્ડ ક્રેડિટ લાઈન હેઠળ લોન આપે છે. આ લોન યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફતે અપાય છે. પ્રિ-અપ્રૂવ્ડ લિમિટનો આધાર ગ્રાહકના એકાઉન્ટ લિમિટ સાથે જોડાયેલો છે. ગ્રાહકે તેના પર વ્યાજ ચૂકવવાનું રહેશે, જેની ગણતરી બિલિંગ સાયકલના અંતે થશે.
યુઝરના UPI મારફત થતાં ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ સ્કોરના આધારે લોનની રકમ નક્કી કરવામાં આવે છે. આ સેવામાં યુઝર UPI પિન મારફત પેમેન્ટ કરી શકે છે. જેની રકમ બાદમાં યુપીઆઈ મારફત જ જમા કરાવવાની રહેશે. તે એક ડિજિટલ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરે છે. જેમાં ફિઝિકલ ક્રેડિટ કાર્ડની જેમ રકમ નિર્ધારિત હોય છે. બેન્કમાંથી મંજૂરી મળ્યા બાદ ગ્રાહકો બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હશે, તો પણ ક્રેડિટ કાર્ડની જેમ યુપીઆઈ પેમેન્ટ કરી કરશે.
આ રીતે લિંક કરાવો
ગૂગલ પ્લે સ્ટોર પરથી UPI એપ ડાઉનલોડ કરો
રજિસ્ટ્રેશન કર્યા બાદ ક્રેડિટ લાઈન વિકલ્પ પસંદ કરો
બેન્કમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખતાં સ્ક્રિન પર ક્રેડિટ લાઈન દેખાશે
ક્રેડિટ લાઈન એકાઉન્ટ પસંદ કરી લિંક કરાવો અને કન્ફર્મ કરો.
UPI લાઈટ વોલેટ મર્યાદા પણ વધારી હતી
અગાઉ ચાર ડિસેમ્બરે RBI એ UPI લાઈટ વોલેટ મર્યાદા પણ વધારી રૂ. ૫૦૦૦ અને પ્રિ-ટ્રાન્ઝેક્શન લિમિટ રૂ. ૧૦૦૦ કરી હતી.