Last Updated on by Sampurna Samachar
મહિનામાં ૨૦.૭૦ અબજના ટ્રાન્ઝેક્શન થયા
ડિજિટલ પેમેન્ટે ઓક્ટોબર ૨૦૨૫માં ઐતિહાસિક સિમાચિહ્ન પાર કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકાર દ્વારા GST માં કરાયેલા સુધારા અને તહેવારોની ખરીદીની UPI મારફત થતી લેવડ-દેવડ પર સકારાત્મક અસર થઈ છે અને ભારતના ડિજિટલ પેમેન્ટે ઓક્ટોબર ૨૦૨૫માં ઐતિહાસિક સિમાચિહ્ન પાર કર્યું છે. NPCI એ જાહેર કરેલા આંકડા મુજબ ઓક્ટોબર ૨૦૨૫માં UPI મારફત થતા ટ્રાન્ઝેક્શને દૈનિક તેમજ માસિક ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ સર્જ્યો હતો.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ ઓક્ટોબર ૨૦૨૫માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વાર્ષિક ૨૫ ટકા વધીને ૨૦.૭૦ અબજ થયા છે, જે એક જ મહિનામાં અત્યાર સુધીમાં થયેલા સૌથી વધુ ટ્રાન્ઝેક્શન છે. આ સાથે ૧૮ ઓક્ટોબરે UPI થી એક જ દિવસમાં ૭૫.૪૩ કરોડ ટ્રાન્ઝેક્શનનો પણ વિક્રમ સર્જાયો છે.
ડિજિટલ અર્થતંત્ર બનવા તરફ ભારતની આગેકૂચ
જે UPI ની શરૂઆતથી અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ વોલ્યુમ છે. ઓક્ટોબરમાં સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન ૬૬.૮ કરોડ રહ્યું હતું, જે સપ્ટેમ્બરમાં ૬૫.૪ કરોડથી વધુ હતું. ભારતમાં યુપીઆઈથી થતા ટ્રાન્ઝેક્શનમાં સતત થઈ રહેલો વધારો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સતત વધી રહેલી સ્વીકૃતિ દર્શાવે છે.
NPCI ના ડેટા મુજબ ઓક્ટોબર ૨૦૨૫માં વોલ્યુમની સાથે મૂલ્યની દૃષ્ટિએ પણ જંગી વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં યુપીઆઈ મારફત રૂ. ૨૭.૨૮ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે વાર્ષિક ૧૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં યુપીઆઈ મારફત રૂ. ૨૪.૯૦ લાખ કરોડ જ્યારે ઓગસ્ટમાં યુપીઆઈથી રૂ. ૨૪.૮૫ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. ઓક્ટોબરમાં યુપીઆઈથી દૈનિક સરેરાશ રૂ. ૮૭,૯૯૩ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે સપ્ટેમ્બરમાં દૈનિક રૂ. ૮૨,૯૯૧ કરોડથી વધુ હતા.
દેશમાં માત્ર યુપીઆઈ જ નહીં આઈએમપીએસ મારફત પણ ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. ઑક્ટોબરમાં આઈએમપીએસથી ટ્રાન્ઝેક્શન ૩ ટકા વધીને ૪૦.૪ કરોડ થયા હતા જ્યારે મૂલ્યની દૃષ્ટિએ ૮ ટકા વધીને રૂ. ૬.૪૨ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા.
ફાસ્ટેગનું વોલ્યુમ પણ ૮ ટકા વધીને ૩૬.૧ કરોડ થયું હતું જ્યારે મૂલ્યની દૃષ્ટિએ ૪ ટકા વધીને રૂ. ૬,૬૮૬ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે તહેવારોના સમયમાં હાઈવે પર પ્રવાસમાં વધારો દર્શાવે છે. આ સિવાય આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ (એઈપીએસ) મારફત ટ્રાન્ઝેક્શન ૬ ટકા વધીને ૧૧.૨ કરોડ થયા હતા, જે મૂલ્યની દૃષ્ટિએ ૩૦,૫૦૯ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં બેન્કિંગ ચેનલ મારફત નાણાકીય સમાવેશના સંકેત આપે છે. ગ્રામીણ વિસ્તારોમાં યુપીઆઈનો પ્રસાર ડિજિટલ અર્થતંત્ર બનવા તરફ ભારતની આગેકૂચ દર્શાવે છે.