Last Updated on by Sampurna Samachar
બદમાશો પાસેથી ઘણાં હથિયારો જપ્ત કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મોડી રાત્રે મોટું એન્કાઉન્ટર કરી બદમાશોને ઠાર માર્યા હતા. માહિતી મુજબ રાત્રે ૨: ૩૦ વાગ્યાની આસપાસ યુપી STF ની મેરઠ ટીમે શામલીના ઝીંઝાના વિસ્તારમાં મુસ્તફા કગ્ગા ગેંગના બદમાશોની ઘેરાબંધી કરી લીધી હતી.
આ દરમિયાન સામ-સામે ફાયરિંગમાં એક લાખના ઈનામી અશરદ સહિત ૪ બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ STF ના ઈન્સ્પેક્ટર સુનીલ કુમારને ઘણી ગોળીઓ વાગી છે. સુનીલ કુમારને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બદમાશો પાસેથી મોટી માત્રામાં હથિયારો રિકવર કરવામાં આવ્યા છે.
STF મેરઠ ટીમે શામલીના ઝિંઝાના ક્ષેત્રમાં મુસ્તફા કગ્ગા ગેંગના સભ્ય અરશદ અને તેના ત્રણ સાથીઓ, મનજીત, સતીશ અને એક અન્યને શામલીના ઝીંઝાના વિસ્તારમાં ઘેરી લીધા હતા. બધા બદમાશો કારમાં સવાર હતા. આ દરમિયાન અરશદ અને તેના સાથીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. એસટીએફની ટીમે પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું હતું. એએસપી બ્રિજેશ કુમારે જણાવ્યું કે, ‘ગોળીબારમાં ચાર બદમાશોને ગોળી વાગી હતી, જ્યારે STF ઈન્સ્પેક્ટર સુનીલ કુમાર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ચારેય બદમાશોને મૃત જાહેર કર્યા છે.’
મૃતક બદમાશોની ઓળખ એક લાખના ઈનામી અરશદ અને તેના ત્રણ સાથીઓ મનજીત, સતીશ અને એક અજાણ્યો વ્યક્તિ તરીકે થઈ છે. અરશદ વિરુદ્ધ લૂંટ અને હત્યાના એક ડઝન કેસ નોંધાયેલા છે. ઈન્સ્પેક્ટર સુનીલને પહેલા કરનાલની અમૃતધારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી ડોક્ટરોએ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં રીફર કર્યા છે. મોટી એન્કાઉન્ટરની માહિતી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બદમાશો પાસેથી દેશી બનાવટની કાર્બાઇન સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.
યુપી પોલીસે સાત વર્ષમાં ૨૧૭ બદમાશોને ઠાર માર્યા છે. યુપી પોલીસના વાર્ષિક રિપોર્ટમાં વર્ષ ૨૦૧૭થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીના ઘણા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડા પ્રમાણે યુપી પોલીસે ગેંગસ્ટર એક્ટ હેઠળ માફિયા અને અન્ય બદમાશોની ૧૪૦ અબજ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી લીધી છે.