Last Updated on by Sampurna Samachar
હજુ સુધી તેની સાથે મારપીટ અને ઝેરી દવા પીવડાવવાની ફરિયાદ નથી થઇ દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાંથી અજબ પ્રેમ કી ગજબ કહાની સામે આવી છે. અહીં એક નણંદને સંબંધમાં ભાભી સાથે પ્રેમ થઈ ગયો. એટલું જ નહીં, ૫ દિવસ પહેલા બંનેએ લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગયા હતા. પણ પોલીસે બંનેને પકડીને પરિવારને સોંપી દીધી હતી.પણ નણંદ સમલૈંગિક વિવાહ કરવાની જિદ પર અડગ છે. જે બાદ આરોપ છે કે, ભાભીના પરિવારે બરાબરની ધોલાઈ કરી. યુવતીનો આરોપ છે કે તેણે કીટનાશક દવા પણ ખવડાવી દીધી. હાલમાં તેની સારવાર બાંગરમઉની હોસ્પિટલમાં ચાલી રહી છે.
આપને જણાવી દઈએ કે, આ કિસ્સો બાંગરમઉ કોતવાલી વિસ્તારનો છે. ૬ મહિના પહેલા યુવતી અને તેને સંબંધમાં થતી ભાભી વચ્ચે પ્રેમ થયો. જેની જાણકારી થતાં મહિલાના પતિએ બંનેને અલગ કરી દીધા. કહેવાય છે કે, ત્યાર બાદ બંને ઘરેથી ભાગી ગઈ હતી. જેની ફરિયાદ બેહટામુઝાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પોલીસે પાંચ દિવસ પહેલા જ બંનેની ધરપકડ કરી તેમના પરિવારને સોંપી દીધી હતી. જે બાદ મહિલા પોતાના પિયરમાં રહેવા લાગી હતી. કહેવાય છે કે, યુવતી પોતાની ભાભીના પિયર બાંગરમઉ પહોંચી ગઈ હતી. બાદમાં ત્યાં જઈને લગ્ન કરવાની જિદ કરવા લાગી. યુવતીનો આરોપ છે કે, ત્યાં તેની સાથે ભાભીના પરિવારે પણ મારપીટ કરી અને તેને ઝેરી દવા પીવડાવી દીધી. હાલમાં યુવતીની સારવાર બાંગરમઉમાં ચાલી રહી છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, હજુ સુધી તેની સાથે મારપીટ અને ઝેરી દવા પીવડાવવાની ફરિયાદ નોંધાવી નથી. જો ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.