શિવ મંદિરમાં હાજર ભક્તો પર મુસ્લિમ સમુદાયના લોકોએ પુષ્પવર્ષા કરી
હવે આ મંદિરમાં નિયમિત પૂજા- અર્ચના કરવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંભલ બાદ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મુસ્લિમ વિસ્તારમાં પણ ૫૪ વર્ષ જૂનું પ્રાચીન શિવ મંદિર મળી આવ્યું છે. ખંડેર થઈ ગયેલા આ શિવ મંદિરને સ્વામી યશવીર મહારાજે શુદ્ધિકરણ કર્યું હતું. આ પ્રસંગે સેંકડો લોકો ત્યાં હાજર રહ્યા હતા. અને તેઓ પણ આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ મંદિર વર્ષો પહેલા ખંડેરમાં ફેરવાઈ ગયું હતું અને ત્યા કોઈ પૂજા અર્ચના પણ કરવામાં આવતી નહોતી. સ્વામી યશવીર મહારાજના આહ્વાન પર સ્થાનિક સમાજે આ મંદિરને પુનરુદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો હતો. અને ઔપચારિક શુદ્ધિકરણ સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં શુદ્ધિકરણ દરમિયાન વૈદિક મંત્રો અને વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી. મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓએ મંદિરને ગંગા જળ અને દૂધનો અભિષેક કરીને પૂજા માટે યોગ્ય બનાવ્યું. સ્વામી યશવીર મહારાજે જણાવ્યું કે, હવે આ મંદિરમાં નિયમિત પૂજા અર્ચના તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મંદિરના શુદ્ધિકરણ સમારોહની ખાસ વાત એ હતી કે, તેમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પણ પોતાની ભાગીદારી જોવા મળી હતી. તેમણે ભક્તો પર ફૂલોની વર્ષા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. જેના કારણે બંને સમુદાયો વચ્ચે ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો હતો. સ્થાનિક વયોવૃદ્ધ મુસ્લિમ ભાઈએ આ અંગે વાત કરતાં કહ્યું કે, અહીં મંદિર મળતાં અમે ખુશ છીએ, અહીં આવીને લોકો પૂજા અર્ચના કરે તેનાથી કોઈ વાંધો નથી, અમે અમારા યુવાનોને કહ્યું છે કે, અહીં આવનારાઓ ભક્તોનું સ્વાગત કરો. મુસ્લિમ સમુદાય દ્વારા હિન્દુ સમાજના લોકોનું સ્વાગત કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક શ્રદ્ધાળુએ આ વાત કરતાં કહ્યું કે, અમારી ઘણી પેઢીઓએ આ મંદિરને ખંડેર હાલતમાં જોયું છે, આજે તેને પુનઃજીવિત થતું જોવું એ ગર્વ અને આનંદની વાત છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, હવે આ મંદિરમાં નિયમિત પૂજા- અર્ચના કરવામાં આવશે અને તેને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.