Last Updated on by Sampurna Samachar
સાધુઓ પસાર થયેલા રસ્તા પરની ધૂળ લોકોએ માથા પર લગાવી આનંદ વ્યકત કર્યો
મહાકુંભમાં પુષ્પવર્ષા દ્વારા સ્વાગત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભના મેળાની શાનદાર શરૂઆત થવાની છે. ત્યારે ભાલા, તલવાર, ત્રિશૂળથી અદ્ભૂત કરતબ દેખાડતાં નગ્ન સાધુઓનું જૂલુસ રસ્તા પર નીકળ્યું તો ભક્તિભાવથી ઓતપ્રોત નર-નારી અને બાળકો ભાવવિભોર બની ગયા. સૌભાગ્યની અનુભૂતિ કરતાં તેમના દર્શન કર્યા. પુષ્પવર્ષા અને જયજયકાર કરતાં સંતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

સાધુઓ આગળ નીકળી ગયા તો રસ્તા પરથી તેમના ચરણોની ધૂળ લઈને માથા પર લગાવી પરમ આનંદની અનુભૂતિ કરી. શ્રી પંચદશનમ આવાહન અખાડાની છાવણી પ્રવેશ શોભાયાત્રાનો અવસર હતો. જન આસ્થા અને આકર્ષણ અખાડાએ ભવ્ય અને શાહી શૈલીમાં યાત્રાનું આયોજન કર્યું હતું. વિવિધ સ્થળોએ ભક્તો અને વહીવટીતંત્રના અધિકારીઓએ સંતોનું પુષ્પવર્ષા કરીને અને જયજયકાર સાથે સ્વાગત કર્યું હતું.
૧૩ અખાડામાં સૌથી પહેલા અસ્તિત્વમાં આવેલા શ્રીપંચ દશનામ અવાહન અખાડાના સંતોએ મડૌકા સ્થિત આશ્રમમાં વિધિથી પૂજન કર્યું. પૂજન કર્યા બાદ અસ્ત્ર-શસ્ત્ર સાથે છાવણીની પ્રવેશ યાત્રાની શરૂઆત કરી હતી. અખાડાના આરાધ્ય સિદ્ધિ વિનાયક ગણેશની પાલકી હતી. તેના પાછળ સંતોનો લાંબો કાફલો આગળ વધી રહ્યો હતો.
અખાડાના આચાર્ય મહામંડેલશ્વર સ્વામી અરુણ ગિરીના નેતૃત્વમાં છાવણી પ્રવેશ યાત્રા નવા યમુના પુલ પરથી પસાર થઈને મેળા ક્ષેત્રમાં પ્રવેશી હતી. સ્વામી અરુણ ગિરીનું કહેવું છે કે, આવાહન અખાડો સૌથી પ્રાચીન છે. પ્રયાગરાજમાં અત્યાર સુધીમાં ૧૨૨ મહાકુંભ અને અને ૧૨૩ કુંભ કરી ચૂક્યો છે. પોતાના વિશિષ્ટ સંકલ્પ સાથે અખાડાએ મહાકુંભ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. વિભિન્ન માર્ગોથી પસાર થતાં અખાડાએ ત્રિવેણી પાંટુન પુલથી પોતાની છાવણીમાં પ્રવેશ કર્યો. અખાડાના શ્રી મહંત ગોપાલ ગિરિએ જણાવ્યું કે, મેળા ક્ષેત્ર સ્થિત શિવિરમાં લાગેલી ધર્મધ્વજા પાસે આરાધ્યની પાલકી સ્થાપિત કરીને સંતોએ ડેરો જમાવી લીધો છે.
આવાહન અખાડાની છાવણી પ્રવેશ યાત્રામાં રથમાં સવાર મહામંડલેશ્વરો ઉપરાંત નાગા સંતો ઘોડા અને ઊંટ પર સવાર થઈ રહ્યા હતા. બીજી તરફ તમામ સંતો ધ્વજ લઈને પગપાળા આગળ વધ્યા હતા. અખાડાના આરાધ્ય ભગવાન ગજાનનના રથને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. ત્યારબાદ અખાડાના પંચ પરમેશ્વર અને તે પછી અખાડાના આચાર્ય મહામંડલેશ્વરનો રથ ચાલી રહ્યો હતો. સંતોએ વૃક્ષ વાવો અને સૃષ્ટિ બચાવોનો સૂત્રોચ્ચાર કરતાં પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.
સ્વામી અરુણ ગિરી કહે છે કે અમારા અખાડાનો મૂળ ઉદ્દેશ્ય સનાતનનો પ્રચાર અને ધર્મનું રક્ષણ કરવાનો છે. પરંતુ હાલમાં સૃષ્ટિની સામે સૌથી મોટું સંકટ પર્યાવરણની રક્ષાનું છે. તેથી અમે ભક્તો અને સનાતની લોકો પાસેથી વૃક્ષો વાવો, પ્રકૃતિ બચાવો મહા અભિયાન હેઠળ વૃક્ષારોપણનો સંકલ્પ લઈ રહ્યા છીએ. મહાકુંભમાં ભક્તોને પ્રસાદ તરીકે ૫૧ હજાર ફળોના છોડનું વિતરણ કરવામાં આવશે.