Last Updated on by Sampurna Samachar
પ્રયાગરાજમાં અત્યાર સુધી ૧૧ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે મૌની અમાસ પર સ્નાનને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તે બાદ મહાકુંભમાં યોગી આદિત્યનાથે સનાતન ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથે કહ્યું કે ભારતમાં એકતા જરૂરી છે અને ભારત પર સંકટ આવવાનો અર્થ સનાતન ધર્મ પર સંકટ આવવાનો છે. જો સંકટ આવી ગયું તો ઘણા સંપ્રદાય પોતાને સુરક્ષિત અનુભવશે નહીં.

ભારતની સનાતન સંસ્કૃતિ વિશ્વમાં તલવારના દમ પર નહીં પરંતુ સદ્ભાવના ઉપદેશ દ્વારા પહોંચી છે. પડકારો પણ એટલા જ હોય છે જેટલો માહોલ સકારાત્મક હોય છે.
કોઈ પણ ધર્મમાં બે બાબતો પર ધ્યાન આપવું પડશે અને સનાતન ધર્મ એક વટ વૃક્ષ છે અને તેની સરખામણી ઝાડ સાથે ન કરો. વિશ્વમાં કોઈ પણ સંપ્રદાયની ઉપાસના વિધિ અલગ હોઈ શકે છે પરંતુ ધર્મ માત્ર એક જ છે અને તે સનાતન ધર્મ છે. મહાકુંભથી એક મેસેજ આપવાનો છે કે સનાતન ધર્મ જ માનવ ધર્મ છે.
યોગી આદિત્યનાથે કહ્યું કે PM મોદીએ પણ એ મેસેજ આપ્યો કે એકતાથી જ દેશ અખંડ રહેશે. ભારત સુરક્ષિત રહેશે તો દરેક ધર્મ અને સંપ્રદાય સુરક્ષિત રહેશે, પરંતુ જો ભારત પર સંકટ આવશે તો સનાતન ધર્મ પર સંકટ આવશે. જો સનાતન ધર્મની ઉપર સંકટ આવશે તો ભારતમાં કોઈ પણ સંપ્રદાય પોતાને સુરક્ષિત અનુભવશે નહીં. તેથી સંકટ ન આવે, તે માટે એકતાનો સંદેશ જરૂરી છે.

પ્રયાગરાજમાં અત્યાર સુધી ૧૧ કરોડથી વધુ લોકોએ સ્નાન કરી લીધું છે જ્યારે આગામી ૨૦-૨૫ દિવસોમાં સંખ્યા ૪૫ કરોડ સુધી પહોંચી જશે. સનાતન ધર્મ અને અમારા પૂજ્ય સંતોની શક્તિ છે કે અહીં કોઈ જાતિ, પંથ અને સંપ્રદાયનું નામ પૂછતું નથી. અહીં સૌનો સ્વીકાર કરવામાં આવે છે.