ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના પત્ની સામે કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશની યોગી સરકાર રાજ્યમાં ગુનાખોરી સામે કડક લગામ જાળવી રહી છે. આ જ કારણ છે કે, તમામ ગુંડાઓ કે જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. UP પોલીસે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના પત્ની અફશાં અન્સારી સામે કડક કાર્યવાહી કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, લખનઉના ગોમતી નગર વિસ્તારમાં કરોડો રૂપિયાનો ફ્લેટ ‘ફ્લુમ પેટ્રોમેક્સ પ્રાઈવેટ લિમિટેડ’ના નામે એક ગેંગ દ્વારા ખરીદ્યો હતો. આ ફ્લેટ જપ્ત કરવામાં આવ્યો છે.
લખનઉના ગોમતી નગરના વિભૂતિ ખંડ વિસ્તારમાં અફશાં અંસારીની ૨ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી હતી. ગાઝીપુરના પોલીસ અધિક્ષક ઈરાજ રાજાએ જણાવ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. લખનઉના ચેલ્સી ટાવરમાં આવેલો ફ્લેટ, સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીના પત્ની અફશાં અંસારીએ ગેરકાયદેસર રીતે હસ્તગત કર્યો હતો, તેને મંગળવારે ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર્સ અને એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, અફશાં અન્સારીએ ફ્લુમ પેટ્રોમેક્સ પ્રાઈવેટ લિમિટેડના નામે એક ગેંગ બનાવીને આ પ્રોપર્ટી ખરીદી હતી. પોલીસે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલી મિલકતની બજાર કિંમત ૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અફશાં અંસારી હાલ ફરાર છે.
મહત્ત્વપૂર્ણ છે કે, ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. માફિયામાંથી બનેલા પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીના મૃત્યુનું કારણ મેજિસ્ટ્રિયલ તપાસમાં હાર્ટ એટેક હોવાનું જણાયું હતું.