Last Updated on by Sampurna Samachar
બોપલ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
૨ લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કારનો કાચ તોડીને એક પર્સ ચોર્યાની ઘટના સામે આવી છે. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. બાઈક પર આવેલા બે યુવાનોએ ગણતરીની સેકન્ડોમાં જ કારમાંથી બેગની ચોરી કરીને ભાગી ગયા છે. બોપલ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારના સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ પાસે એક કાર પાર્ક કરી હતી. ટુ વ્હીલર પર આવેલા બે શખસોએ ગણતરીની જ સેકન્ડોમાં કારનો કાચ તોડીને અંદરથી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના ઘટી ત્યાં લોકોની અવરજવર પણ હતી. આ તસ્કરો કારમાં રાખેલી ૨ લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે CCTV માં જોઈએ તો ખ્યાલ આવે કે પલક ઝપકતાં જ આ લોકોએ આટલી મોટી ચોરી કરી નાખી છે.
પોલીસે ગુનો નોંધી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી
માહિતી એવી પણ મળી રહી છે કે, સાઉથ બોપલમાં પ્રિન્સ નામનો વેપારી પોતાની કાર રોડની સાઈડમાં પાર્ક કરીને બિલ્ડિંગમાં ગયા હતા. તેમણે રૂપિયા ભરેલી બેગ ડ્રાઈવરની બાજુની સીટ પર રાખી હતી. આનો લાભ લઈને હેલ્મેટ પહેરેલા બે શખસો બાઈક પર ત્યાં આવી પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાઈક પાછળ બેઠેલા શખસે ગણતરીની સેકન્ડોમાં કાચ તોડીને બેગની ચોરી કરી હતી.
તૂટેલા કાચ જાેઈને વેપારીએ તાત્કાલિક ૧૧૨ નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આસપાસના CCTV ફૂટેજ કબજે કર્યા છે, જેમાં બંને શખસોની હિલચાલ સ્પષ્ટપણે કેદ થઈ છે. હાલમાં પોલીસે ગુનો નોંધી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.