Last Updated on by Sampurna Samachar
મુંબઈમાં સળંગ ચોથા દિવસે મૂશળધાર વરસાદ વરસ્યો
લોકલ ટ્રેનો પણ કલાકથી દોઢ કલાક મોડી ચાલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદના કારણે અનેક ગામો સાથેના સંપર્ક તૂટ્યા છે તેમજ જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે દરિયો જાણે રસ્તા પર આવી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

મૂશળધાર વરસાદના કારણે સેન્ટ્રલ રેલવે ખોરવાઈ છે. લોકલ ટ્રેનો પણ કલાકથી દોઢ કલાક મોડી ચાલી રહી છે. હાર્બર રેલવે લાઈન પર પાણી ભરાતાં ટ્રેનો ૫૦-૫૦ મિનિટ મોડી પડી છે. ચારેકોર પાણી ભરાતાં ટ્રાફિક જામની સમસ્યા પણ વધી છે. લોકો ઘરની બહાર નીકળવા અસક્ષમ બન્યા છે.
શાળા, કોલેજો અને ઓફિસોમાં જાહેર રજા અપાઇ
ભારે વરસાદને ધ્યાનમાં લેતાં મુંબઈ યુનિવર્સિટીએ લેવાનારી પરીક્ષા સ્થગિત કરી દેવાઇ હતી. સ્થગિત કરાયેલી યુનિવર્સિટીની આ પરીક્ષા હવે ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાશે. શાળા-કોલેજોમાં પણ રજા આપવામાં આવી. BMC એ નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.

મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦ MM વરસાદ વરસ્યો છે. વિખરોલીમાં સૌથી વધુ ૨૫૫.૫ MM વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા અત્યારસુધીમાં આઠ લોકોના મોત થયા છે. અનેક ગુમ છે. બોરિવલી, અંધેરી, સિયોન, દાદર, ચેમ્બુર, ગાંધી માર્કેટમાં કેડસમા પાણી ભરાયા છે. શાળા, કોલેજો અને ઓફિસોમાં જાહેર રજા આપવામાં આવી છે.
હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ડેપ્યુટી સીએમ અજિત પવારે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લઈ દેખરેખ રાખી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ચિંચોલી ફાયર સ્ટેશનમાં ૩૬૧ મીમી, કાદિવલી ફાયર સ્ટેશન મીમી, વસઈ પમ્પિંગ સ્ટેશન ૨૪૦ મીમી, દાદર ૩૦૦ મીમી, વડાલા મ્યુનિસિપલ સ્કૂલ ૨૮૨ મીમી, સાઉથ ડિવિઝન ૨૬૫ મીમી, વર્લી ૨૫૦ મીમી વરસાદ પડ્યો છે.