Last Updated on by Sampurna Samachar
લશ્કર-એ-તૈયબાના સમર્થન વિના આ હુમલો શક્ય નહીં
UNSC રિપોર્ટમાં પાકિસ્તાનનુ જુઠ્ઠાણું દેખાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. હવે આ મામલે સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે.
UN સુરક્ષા પરિષદની પ્રતિબંધ દેખરેખ ટીમે કહ્યું હતું કે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ બે વાર પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી અને હુમલા સ્થળની તસવીરો પણ જાહેર કરી હતી. આ ટીમે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સમર્થન વિના આ હુમલો થઈ શક્યો ન હોત.
લશ્કર અને TRF વચ્ચે સંબંધ
UNSC માં ISIL (દાએશ), અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો પર નજર રાખતી ટીમે ૩૬મો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૨ એપ્રિલે પાંચ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં એક પર્યટન સ્થળ પર હુમલો કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે જ દિવસે TRF એ આ હુમલાની જવાબદારી લીધી હતી અને હુમલાના સ્થળની તસવીર પણ જાહેર કરી હતી.
TRF એ બીજા દિવસે પણ આ હુમલાની જવાબદારી પણ લીધી હતી. જોકે, ૨૬ એપ્રિલે TRF એ પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો. ત્યારથી TRF એ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો અન્ય કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલો લશ્કરની મદદ વિના થઈ શક્યો ન હોત. લશ્કર અને TRF વચ્ચે સંબંધ છે. આ હુમલો TRF દ્વારા કરવામાં આવ્યો હતો, જે લશ્કરનો પર્યાય છે. જણાવી દઈએ કે, આ મહિને અમેરિકાએ TRF ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ હુમલો પહલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.