Last Updated on by Sampurna Samachar
નાની વયમાં દિકરાઓને કાર આપતા વાલીઓ સામે રોષ
સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જોરદાર ટક્કર મારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેગા સિટી અમદાવાદમાં સગીર વયના બાળકોને લક્ઝરી કાર આપવાની માતા-પિતાની ઘેલછા વધુ એકવાર નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતા રહી ગઈ છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ‘શિવાલિક હાઇટ્સ‘ એપાર્ટમેન્ટમાં એક ૧૫ વર્ષીય સગીરે બેફામ ગતિએ કાર હંકારી એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

તાજેતરમાં વિરમ રબારી નામના યુવક શિવાલિક હાઇટ્સની મુલાકાતે આવ્યા હતા. તે સમયે સોસાયટીના કેમ્પસમાં જ એક ૧૫ વર્ષીય સગીરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂરપાટ ઝડપે કાર વિરમભાઈ સાથે અથડાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, યુવક હવામાં ફંગોળાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર અપાઇ રહી હોવાની વિગતો છે.
સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી
આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક સોસાયટીઓમાં સુરક્ષા અને સ્પીડ લિમિટના નિયમો પર સવાલ ઉઠાવ્યા છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરના હાથમાં વાહન આપનારા વાલીઓ સામે પણ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં આટલી સ્પીડમાં કાર ચલાવવાની છૂટ કોણે આપી? શું પોલીસ અને ટ્રાફિક વિભાગ માત્ર રસ્તાઓ પર જ મેમો ફાડવામાં વ્યસ્ત છે?
સોસાયટીના આંતરિક રોડ પર સુરક્ષા માટે કોઈ નિયમો હોવા જોઈએ કે નહીં? તેવા અનેક પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ બેદરકારી કોઈનો જીવ પણ લઈ શકી હોત.