ભાવનગરમાં ગુંડાઓનો બેફામ આતંક

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો કરાયો

ત્રણ શખ્સોએ ખુલ્લેઆમ જીવલેણ હથિયારોથી યુવક પર હુમલો કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ મોડી રાત્રે એક હૃદયદ્રાવક હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય બોલાચાલીમાં વાત એટલી હદે વણસી ગઈ કે, ત્રણ શખ્સોએ ખુલ્લેઆમ તલવાર અને ધારિયા જેવા જીવલેણ હથિયારો વડે એક યુવક પર હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.


મળતી વિગતો અનુસાર, કુંભારવાડા નારીરોડ પર આવેલા રામદેવનગરમાં રહેતા કાળુભાઈ ચૌહાણના સાળા સંજય ઉર્ફે સાંગા પર આ હુમલો થયો હતો. હુમલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે કાળુભાઈનો મોટો સાળો કાંતી વસરામભાઈની દુકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે આરોપીઓ સાથે તેને કોઈ બાબતે બોલાચાલી થઈ અને આરોપીઓએ તેને એક લાફો ઝીંકી દીધો હતો.

સમાધાનના બદલે આરોપીઓ વધુ ઉશ્કેરાયા અને સંજય પર તૂટી પડ્યા

આ બાબતે સમજાવવા અને વાત કરવા માટે નાનો સાળો સંજય ઉર્ફે સાંગા ત્યાં પહોંચ્યો હતો. જોકે, સમાધાનના બદલે આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા અને સંજય પર તૂટી પડ્યા હતા. રાહુલ ઉર્ફે ઢેલ નામના શખ્સે તલવાર વડે, તેના ભાઈ સંદીપ ઉર્ફે સુનાએ ધારિયા વડે અને એક અજાણ્યા શખ્સે છરી વડે સંજયના માથા અને મોઢાના ભાગે આડેધડ ઘા ઝીંક્યા હતા.

આ ઘટનાનો એક ભયાનક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે, આરોપીઓ ધોળે દિવસે જાહેરમાં હથિયારો લઈને ફરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, એક શખ્સના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં દારૂની બોટલ સાથે જાેવા મળ્યો હતો. જે વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંકનો પુરાવો આપે છે.ઉપરાંત ભાવનગરમાં મજબુત દારૂબંધી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિનો પણ તાગ આપે છે.

હુમલાના પગલે સંજય લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ સંજયને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક છે.

વીડિયો વાયરલ થઇ જતા પોલીસને પણ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ફરિયાદી કાળુભાઈની ફરિયાદના આધારે પોલીસે રાહુલ ઉર્ફે ઢેલ, સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૫૪ અને જીપી એક્ટ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે હથિયારો સાથે ફરતા આ શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.