Last Updated on by Sampurna Samachar
કર્મચારીઓ માનસિક શાંત રહેશે તો કંપનીની ઉત્પાદકતા વધશે તેમ કંપનીઓનુ માનવુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં કામના કલાકોને લઈને ભૂતકાળમાં ઘણી ચર્ચા થઈ છે. તેની પાછળનું કારણ કેટલીક કંપનીઓના ટોચના મેનેજમેન્ટના નિવેદન હતા, જે કર્મચારીઓને શક્ય તેટલા કલાકો કામ કરવા માટે કહી રહ્યા હતા. જેમાં દિવસમાં ૧૫ થી ૧૭ કલાક કામ કરવા જેવી બાબતો કહેવામાં આવી હતી. સ્વાભાવિક છે કે તેની ભારે ટીકા થઈ.
અઠવાડિયામાં ૪ દિવસ કામ કરવાની અને વર્ક-લાઈફ બેલેન્સ માટે ૩ દિવસની રજા લેવાની માંગ વચ્ચે UK માંથી એક અદ્ભુત સમાચાર આવ્યા છે. UK ની ૨૦૦ કંપનીઓએ તેમના કર્મચારીઓને અઠવાડિયામાં ૪ દિવસ કામ કરાવવાનો ર્નિણય લીધો છે.
અઠવાડિયામાં કામના કલાકો કે દિવસો ઓછા હોવા એ મોટી રાહત છે. લોકો ખુદ માટે અને પોતાના પરિવાર માટે સમય કાઢી શકે છે. ભાગદોડ જીવનથી થોડો સમય આરામ કરી શકીએ છીએ. UK ની આ કંપનીઓએ તેમના કર્મચારીઓને વધુ સારા જીવન માટે અઠવાડિયામાં ૪ દિવસ કામ કરાવવાનું નક્કી કર્યું છે.
આ ૨૦૦ કંપનીઓ તેમના કર્મચારીઓને દર અઠવાડિયે ૩ દિવસની રજા આપશે અને આ માટે તેઓ કામમાં કોઈ ઘટાડો નહીં કરે. ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે કે, આ ૨૦૦ કંપનીઓમાં કુલ ૫,૦૦૦ થી વધુ લોકો કામ કરે છે. આમાંની મોટાભાગની કંપનીઓ ચેરિટી, માર્કેટિંગ અને ટેક્નોલોજી કંપનીઓ છે.
૪ દિવસની વર્કિંગ પેટર્નને સમર્થન કરનારાઓ માને છે કે ૫ દિવસની કાર્ય પદ્ધતિ જૂના સમય માટે સારી હતી. ત્યારે લોકોને ન તો કામના સ્થળે પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી અને ન તો આટલો તણાવ હતો. હવે કર્મચારીઓ અઠવાડિયામાં ૪ દિવસ કામ કરીને ખુશ થશે. તેમનું પારિવારિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને તેઓ વધુ ઉત્સાહ સાથે કામ પણ કરશે. તેનાથી તેમની ઉત્પાદકતા પણ વધશે.