Last Updated on by Sampurna Samachar
ખોરાક, સ્વચ્છ પાણી, તબીબી સંભાળ અને સુરક્ષાની સખત જરૂર
આ પરિસ્થિતિને યુનિસેફે વિશ્વની ગંભીર ગણાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુનિસેફના જણાવ્યા પ્રમાણે યુગાન્ડાએ પૂર્વી કાંગોમાંથી આવેલા લગભગ ૬૭,૦૦૦ શરણાર્થીઓને શરણ આપી છે. બીજી તરફ બુરુન્ડીમાં ૭૦,૦૦૦થી વધુ લોકો જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો શરણ લઈ ચૂક્યા છે. યુનિસેફે આ માનવતાવાદી સંકટને વિશ્વની સૌથી ગંભીર પરિસ્થિતિઓમાંની એક ગણાવી છે.
યુનિસેફના રિપોર્ટ પ્રમાણે શરણાર્થીઓને ખોરાક, સ્વચ્છ પાણી, તબીબી સંભાળ અને સુરક્ષાની સખત જરૂર છે. યુગાન્ડા અને બુરુન્ડીમાં ટ્રાન્જિટ સેન્ટર પહેલેથી જ ભરાયેલા છે અને હવે વધારાના દબાણને સંભાળવામાં અસમર્થ છે.
લાખો લોકોના જીવન જોખમમાં મુકાઈ શકે
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વરસાદની ઋતુ શરૂ થતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. પૂર, ચેપી રોગો અને સ્થળાંતરનું જોખમ વધ્યું છે. બાળકોમાં કુપોષણ, કોલેરા અને ઓરી જેવા ગંભીર રોગોનો દર પણ વધી રહ્યો છે.
યુનિસેફે રાહત કામગીરીને ઝડપી બનાવવા માટે ૨.૨ મિલિયન યુએસ ડોલર (લગભગ ૧૮૩ કરોડ રૂપિયા) ની તાત્કાલિક સહાયની અપીલ કરી છે. એજન્સીએ ચેતવણી આપી છે કે જો આ નાણાં ટૂંક સમયમાં નહીં મળે તો આવશ્યક સેવાઓ ખોરવાઈ જશે અને લાખો લોકોના જીવન જોખમમાં મુકાઈ શકે છે.
પૂર્વી કાંગોમાં જાન્યુઆરીથી પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે, જ્યારથી M૨૩ બળવાખોર જૂથ ફરીથી એક્ટિલ થયું. આ જૂથે ગોમા અને બુકાવુ જેવા વ્યૂહાત્મક શહેરો પર કબજો કર્યો, જેના કારણે લાખો લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.
M૨૩ બળવાખોર જૂથ પર કાંગો સરકાર રવાન્ડા દ્વારા સમર્થન મળવાનો આરોપ લગાવતી આવી છે. જોકે, રવાન્ડાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેના બદલે કાંગોની સેના પર ૧૯૯૪ના નરસંહારમાં સામેલ જૂથો સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે. પૂર્વી કાંગોમાં વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષે આ પ્રદેશને અસ્થિર બનાવી દીધો છે. M ૨૩ જેવા બળવાખોર જૂથોની પ્રવૃત્તિઓ, રાજકીય અસ્થિરતા અને બાહરી હસ્તક્ષેપના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે.