Last Updated on by Sampurna Samachar
સમસ્યાનું મુખ્ય કારણ તપેલા ડાઈગ મિલો
નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા અમૃત નગરમાં છેલ્લા કેટલાંક દિવસોથી પીવાના પાણીમાં ગંદકી અને કલરયુક્ત પાણી આવવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નળોમાંથી આવતું પાણી દુર્ગંધયુક્ત અને અયોગ્ય હોવાથી પીવાનું તો દૂર, ઘરેલુ ઉપયોગ માટે પણ મુશ્કેલ બન્યું છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિકોએ આ સમસ્યાનું મુખ્ય કારણ આસપાસ ગેરકાયદેસર રીતે ચાલતી તપેલા ડાઈગ મિલોને ગણાવ્યું છે. તેમનો આક્ષેપ છે કે આ ડાઈગ મિલો દ્વારા કલર અને કેમિકલ ભરેલું ગંદું પાણી ડ્રેનેજમાં છોડી દેવામાં આવે છે, જેનાથી પીવાના પાણીની લાઈનો પ્રદૂષિત થાય છે અને સમગ્ર વિસ્તારના પાણીની ગુણવત્તા બગડે છે.
નાગરિકોમાં પાલિકા તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી
અગાઉ પણ આવી સમસ્યા સામે આવી હતી, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સ્થાનિકો કહે છે. કોઈ સ્થાયી ઉકેલ ન લાવવામાં આવતાં સમસ્યા ફરીથી માથું ઉચકી રહી છે, જેને લઈને નાગરિકોમાં પાલિકા તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
લોકોએ જણાવ્યું છે કે આ મુદ્દાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચાડી દેવામાં આવી છે, છતાં હજી સુધી તંત્ર તરફથી અસરકારક પગલાં લેવાયા નથી. સ્થાનિકો અને નાગરિકોએ તાત્કાલિક પાણીની ગુણવત્તા સુધારવા અને દોષિત ગેરકાયદેસર ડાઈગ મિલો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી સુરતવાસીઓના આરોગ્યને જોખમમાંથી બચાવી શકાય.