Last Updated on by Sampurna Samachar
ગેસ ચુલો વચ્ચે રાખી ફેરા લેતી બંને યુવતીઓ
સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનો વિષય બન્યા સમલૈંગિક લગ્ન
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના સુપૌલ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જેણે ન ફક્ત ત્રિવેણીગંજ પણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ બનાવી દીધો છે. આ મામલો ત્રિવેણીગંજ નગર પરિષદના વોર્ડ નંબર ૧૮નો આ કિસ્સો છે, જ્યાં એક મોલમાં કામ કરતી બે યુવતીઓએ એકબીજાની મરજીથી સમલૈંગિક લગ્ન કરી લીધા છે. આ અનોખા લગ્ન સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બંને યુવતીઓની મુલાકાત લગભગ બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. શરુઆતમાં સામાન્ય વાતચીત થઈ પછી ધીમે ધીમે દોસ્તી ગાઢ થઈ અને પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. લાંબા સમય સુધી એકબીજાને સમજવા અને સાથે સમય વિતાવ્યા બાદ બંનેએ સાથે જીવન જીવવાનો ર્નિણય લીધો.
બંને છોકરીઓએ પોતાના લગ્નનો વીડિયો શેર કર્યો
આ ર્નિણય અંતર્ગત મોડી રાતે બંને યુવતીઓ ચૂપચાપ ત્રિવેણીગંજ મેલાગ્રાઉન્ડમાં આવેલા મંદિરમાં પહોંચી, જ્યાં સાદાઈથી બંનેએ લગ્ન કર્યા. કહેવાય છે કે લગ્ન દરમ્યાન બંનેએ ગેસના ચૂલાની ફરતે સાત ફેરા લીધા હતા. આ સમયે મંદિર પરિસરમાં ખૂબ જ ઓછા લોકો હતા. જેના કારણે આ ઘટના તાત્કાલિક કોઈના ધ્યાનમાં આવી નહીં.
કહેવાય છે કે બંને યુવતીઓ છેલ્લા બે મહિનાથી નગર પરિષદ વોર્ડ ૧૮માં એક ભાડાના મકાનમાં સાથે રહેતી હતી અને બંને એક જ મોલમાં કામ કરતી હતી. બંને લગ્ન કરી પરત આવી અને આ વાતની જાણ આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ, તો હાહાકાર મચી ગયો. સચ્ચાઈ જાણવા માટે આજુબાજુના લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ.
આ દરમ્યાન બંને છોકરીઓએ પોતાના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો. આ બંને યુવતીઓની ઓળખ મુરલીગંજના નિવાસી સંતોષ ગુપ્તાની ૨૧ વર્ષિય દીકરી પૂજા ગુપ્તા અને શંકરપુર વિસ્તારના મૌરા બધલા વોર્ડ ૧ના રહેવાસી શંભુ યાદવની ૧૮ વર્ષિય પુત્રી કાજલ કુમારી તરીકે થઈ છે. કહેવાય છે કે પૂજા ગુપ્તા આ લગ્નમાં વરરાજાની ભૂમિકામાં હતી, જ્યારે કાજલ કુમારી દુલ્હન બની હતી.