Last Updated on by Sampurna Samachar
તબીબની બેદરકારીના કારણે નાના બાળકોના જીવ જોખમાયા
અગાઉ વર્ષ ૨૦૧૭ માં આ ડૉક્ટર સામે નોંધાઇ હતી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશમાં સિરપ કાંડ જેવો જ એક મામલો તાજેતરમાં વડોદરાના ડભોઈ ખાતે સામે આવ્યો હતો. જ્યાં કફ સિરપ લેવાથી બે માસૂમ બાળકોને આડઅસર થઈ હતી, ત્યારે આ ઘટનાને રાજ્યના આરોગ્ય તંત્રએ ગંભીરતાથી લઈને પ્રાથમિક તપાસ બાદ બાળકોને સિરપ આપનાર તબીબ ડો. અશ્વિન પનોત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ મામલે તપાસ કરતા અગાઉ વર્ષ ૨૦૧૭ માં પણ તેની સામે નકલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાનો ગુનો નોંધાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વિગતવાર વાત કરીએ તો, થોડા સમય અગાઉ મધ્યપ્રદેશમાં એક કફ સિરપના કારણે કેટલાય માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ઘટેલી એક ઘટનાએ મધ્યપ્રદેશના એ સિરપ કાંડની યાદ તાજા કરાવી દીધી છે. ડભોઈ તાલુકામાં મજૂરી અર્થે આવેલા સીતપુર ગામના એક શ્રમિક પરિવારના બે નાના બાળકોને ખાંસી તથા આ પરિવારે ધરમપુરી ગામે ડો. અશ્વિન પનોતના ક્લિનિક પર બંને બાળકોની સારવાર કરાવી હતી.
ખૂબ મોટી માત્રામાં દવાનો જથ્થો મળી આવ્યો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, સારવાર માટે ડો. અશ્વિન પનોતે ૭ વર્ષ કરતા મોટી ઉંમરના બાળકોને આપવાની દવા ૬ વર્ષથી નાની ઉંમરના બાળકોને આપી હતી. જેથી આ સિરપની આડઅસર થઈ હતી. સિરપ તેમજ દવાઓ લીધા બાદ અચાનક બંને બાળકોની તબિયત લથડતા તેમને ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ICU વોર્ડમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
જાેતજાેતામાં આ વાત સમગ્ર પંથકમાં પ્રસરી જતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું તેમજ તબીબના રહેઠાણ તેમજ ક્લિનિક પર ઝીણવટભરી તપાસ આરંભી હતી, ત્યારે આ તપાસમાં બાળકોને દવા આપનાર ડો. અશ્વિન પનોત ઝોલાછાપ એટલે કે નકલી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લાના આરોગ્ય વિભાગે સ્થળ તપાસ કરતા આ તબીબ અશ્વિન પનોત માત્ર ૧૨માં ધોરણ સુધી જ ભણેલો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ધોરણ ૧૨મું પાસ અશ્વિન પનોત સામે અગાઉ વર્ષ ૨૦૧૭માં નકલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાનો ગુનો દાખલ થયો હતો અને હવે ફરી વર્ષ ૨૦૨૫માં તેના દ્વારા આપવામાં આવેલી દવાને કારણે બે બાળકોના જીવ જોખમમાં મુકાતા હતા.
સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી વડોદરા ગ્રામ્ય ડૉ. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, ડો. અશ્વિન પનોત દ્વારા બાળકોને અપાયેલા આ સિરપનું નામ સોડેક્ષ ડી.એસ. સિરપ છે. જે તાજેતરમાં ગુજરાતમાં પ્રતિબંધ કરાયેલ શેપ ફાર્માની રિલાઇફ સિરપ કે પછી રેન્ડેક્સ ફાર્મામાં બનતી રેસ્પીફ્રેશ ટીઆર સિરપથી અથવા તો ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલી સિરપની શ્રેણીમાં આવતી નથી. છતાં પણ આ સિરપ અને અન્ય દવાઓ લીધા બાદ બે બાળકોની તબિયત શા માટે બગડી તે અંગે તપાસ ચાલી રહી છે.
હાલની માહિતી મુજબ, જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી આરોગ્ય અધિકારીએ આ તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે કલમ ૧૨૫ મુજબ તેમને મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ તબીબને નોટિસ ફટકારી તપાસ અર્થે બોલાવ્યા છે. પોલીસે તપાસ કરતા હાલ આ તબીબ પાસેથી ડિગ્રી કે સર્ટિફિકેટ મળી આવ્યા નથી, તંત્રની તપાસમાં આ તબીબના ક્લિનિક પરથી ખૂબ મોટી માત્રામાં દવાનો જથ્થો મળી આવ્યો છે. તબીબ દ્વારા આપવામાં આવેલી સિરપને પણ વૈજ્ઞાનિક પ્રશિક્ષણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે, તેમ આકાશ પટેલે ઉમેર્યું હતું.