Last Updated on by Sampurna Samachar
તાવ આવતા શરૂઆતમાં ઝોલાછાપ તબીબ પાસે કરાવી સારવાર
સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં રોગચાળાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. એક જ દિવસમાં રોગચાળાના કારણે બે મહિલાના કરૂણ મોત નિપજતા સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને શહેરભરમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
આ ઘટનામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી એક ૩૪ વર્ષીય મહિલાનું ટાઈફોડના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાના પરિવારે જણાવ્યું કે તેમને તાવ આવતા શરૂઆતમાં ઝોલાછાપ (બિન-અધિકૃત) તબીબ પાસે સારવાર કરાવી હતી. મહિલાની સારવાર છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી હતી, પરંતુ તબિયતમાં સુધારો થવાને બદલે વધુ લથડી હતી.
રોગચાળાને નિયંત્રિત કરવા તંત્રના કડક પગલાં
પરિણામે, પરિવારે મહિલાને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાનો ર્નિણય લીધો હતો. જોકે, કમનસીબે સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાથી સુરતનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. એક દિવસમાં રોગચાળાથી બે મહિલાના મોત થતાં પરિસ્થિતિની ગંભીરતા સમજીને આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમોએ તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી છે. આ ટીમો રોગચાળાના ફેલાવા, સારવારની પદ્ધતિઓ અને અન્ય જરૂરી પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રોગચાળાને નિયંત્રિત કરવા અને આ પ્રકારના બનાવો ફરી ન બને તે માટે વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.