Last Updated on by Sampurna Samachar
પહલગામ હુમલાને લઇ NIA ની તપાસમાં મોટા ખૂલાસા
હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાની હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં હુમલાખોરો વિશે મોટો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ હુમલાખોરોને આશ્રય આપનારા બે લોકોની ધરપકડ કરી છે. બંને યુવાનો પરવેઝ અહેમદ જોથર અને બશીર અહેમદ જોથર પહેલગામના બટકકોટ ગામના રહેવાસી છે.
બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરે છે. જ્યારે NIA એ બંનેની પૂછપરછ કરી ત્યારે તેઓએ જણાવ્યું કે પહેલગામમાં આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાની હતા. તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હતા.
આ હત્યાકાંડે આખી દુનિયાને હચમચાવી દીધી
NIA તપાસ મુજબ, પરવેઝ અને બશીરે હુમલા પહેલા હિલ પાર્કમાં એક મોસમી ઢોક (ઝૂંપડી) માં જાણી જોઈને ૩ સશસ્ત્ર આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. બંને લોકોએ આતંકવાદીઓને ખોરાક, પાણી, રહેઠાણ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. NIA એ આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપસર બંનેની ધરપકડ કરી હતી. બંને સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ ૧૯૬૭ ની કલમ ૧૯ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ કેસ ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ પહેલગામ હત્યાકાંડ પછી નોંધાયેલા RC -૦૨/૨૦૨૫/NIA/JMU કેસ સાથે જોડવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામ શહેરની બૈસરન ખીણમાં હત્યાકાંડ થયો હતો.
સશસ્ત્ર આતંકવાદીઓએ ખીણમાં આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. ૨૫ પ્રવાસીઓ ગોળીબાર કરીને માર્યા ગયા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરનાર યુવકને પણ ગોળી વાગી હતી. આ આતંકવાદી હુમલામાં કોઈએ પોતાના પતિ ગુમાવ્યા, કોઈએ પોતાના બાળકો ગુમાવ્યા, કોઈએ પોતાના માતા-પિતા ગુમાવ્યા. આ હત્યાકાંડે આખી દુનિયાને હચમચાવી દીધી.
આ આતંકવાદી હુમલાનો સીધો સંબંધ પાકિસ્તાન સાથે હતો. આતંકવાદીઓ POK દ્વારા ભારતમાં પ્રવેશ્યા હતા, જે લોકોને તેમનો ધર્મ અને નામ પૂછીને ગોળી મારી રહ્યા હતા.