Last Updated on by Sampurna Samachar
મૃતકોના પરિવાર તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શકે
બંને કેરળના રહેવાસી હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
UAE માં ભારતીય મૂળના બે લોકોને બે જુદી-જુદી હત્યા મામલે મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. UAE ની સર્વોચ્ચ અદાલતે UAE માં રહેતા કેરળના બે ઇમિગ્રન્ટ્સને હત્યા બદલ મૃત્યુદંડ ફટકાર્યો હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. બંને કેરળના રહેવાસી છે. તેમની ઓળખ મોહમ્મદ રિનાશ અને મુરલીધર પી. વી. તરીકે થઈ છે.
ગુના બદલ આકરી સજા માટે જાણીતા UAE માં મોહમ્મદ રિનાશે એક સ્થાનિક રહેવાસીની હત્યા કરી હતી. જ્યારે બીજા મુરલીધર પી. વી.એ એક ભારતીય મૂળના વ્યક્તિને જ મોતને ઘાટ ઉતાર્યો હતો. યુએઈએ આ અંગે ભારતીય દૂતાવાસને ૨૮ ફેબ્રુઆરીના રોજ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે બંનેના પરિવારનો સંપર્ક સાધી તેમને આ અંગે માહિતી આપી હતી.
વિદેશ મંત્રાલયે બંનેના પરિવારજનોને આપ્યુ આશ્વાસન
વિદેશ મંત્રાલયે અગાઉ બંનેના કેરળ સ્થિત રહેતા પરિવારનો સંપર્ક સાધી તેમને આશ્વાસન આપ્યું હતું કે, તે આ અંગે જરૂરી તમામ કાયદાકીય સહાય ઉપલબ્ધ કરાવવા તેમજ માફી આપવાની માંગ કરતી અપીલ કરી હતી. તેમણે UAE ની સર્વોચ્ચ અદાલત સમક્ષ તેમને દયા અને ક્ષમા કરવાની અરજી પણ કરી હતી. પરંતુ અદાલત પોતાનો ચુકાદો જાળવી રાખતા તેમને મૃત્યુદંડ આપવા પર અડગ રહી છે. માફીની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવી છે. દૂતાવાસ હવે પ્રયાસ કરી રહ્યું છે કે, મૃતકોના પરિવાર તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થાય.
ઉત્તરપ્રદેશની શહેઝાદી ખાનને પણ અગાઉ ૧૫ ફેબ્રુઆરીના રોજ અબુધાબીમાં ચાર માસના બાળકની હત્યા બદલ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. શહેઝાદીના પિતા શબ્બીર ખાને દિલ્હી હાઇકોટમાં વિદેશ મંત્રાલયને આ મામલે દખલગીરી કરવા તેમજ તેમની દીકરીને બચાવી લેવાની માંગ કરતી અરજી કરી હતી.