Last Updated on by Sampurna Samachar
મૃતકોના પરિવારજનોને ૨૫ લાખની નાણાકીય સહાયની જાહેરાત
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના પુરીમાં ગુંડીચા મંદિર પાસે બનેલી નાસભાગની ઘટના પર સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે અવ્યવસ્થા સર્જાવવા બદલ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ફરજમાં બેદરકારી બદલ DCP વિષ્ણુ પતિ અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર પુરીના જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP)ની પણ બદલી કરવામાં આવી છે. ચંચલ રાણાને નવા જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે પિનાક મિશ્રાને નવા SP ની જવાબદારી સોંપવામાં આવી છે. ઓડિશા સરકારે આ નાસભાગમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનોને રૂ. ૨૫ લાખની આર્થિક સહાયતા પણ પ્રદાન કરી છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી.
મુખ્યમંત્રીએ નાસભાગ માટે માફી માંગી
મુખ્યમંત્રી કાર્યાલયે CM મોહન માઝીને ટાંકીને કહ્યું હતું કે, આ ઘટનાથી હું ખૂબ જ દુ:ખી અને વ્યથિત છું. રાજ્ય સરકાર વતી વ્યક્તિગત રીતે દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ મૃતક શ્રદ્ધાળુઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તેમના પરિવારજનોને ૨૫ લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવા ર્નિણય લીધો છે. આ ઘટના માટે સંપૂર્ણ વહીવટી તપાસના આદેશ આપ્યા છે. વિકાસ કમિશનરની દેખરેખ હેઠળ વિગતવાર વહીવટી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રથયાત્રામાં જગન્નાથ ભગવાનના દર્શન દરમિયાન થયેલી નાસભાગ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે નાસભાગ માટે માફી માંગી કહ્યું કે નાસભાગના કારણે થયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બદલ હું જગન્નાથ ભગવાનના તમામ ભક્તોની દિલથી માફી માંગુ છું.
પુરીમાં રથયાત્રા દરમિયાન શ્રી ગુંડીચા મંદિર પાસે સવારે ૪:૩૦ વાગ્યે દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતાં. તે દરમિયાન ટ્રક ભગવાનના રથની વચોવચ આવી જતાં ભીડ સર્જાઈ હતી અને ધક્કા-મુક્કી થતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી. જેમાં ત્રણના મોત થયા હતાં. જ્યારે ૧૦ થી વધુ લોકો ઘાયલ થયા હતાં. મૃતકોમાં બે મહિલા સામેલ હતી.