Last Updated on by Sampurna Samachar
પાંચ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત
બંને ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવા અંગે કોઇ માહિતી નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણી ૯ ડિસેમ્બરથી શરૂ થશે. આ પાંચ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યા ટીમમાં પાછો ફર્યો છે, અને શુભમન ગિલ પણ ટીમનો ભાગ છે. જોકે, તેની ફિટનેસ પર આધાર છે કે તે રમશે કે નહીં. સૂર્યકુમાર યાદવ આ શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે.

દક્ષિણ આફ્રિકા સામેની આ T20 શ્રેણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારી માટે મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ શ્રેણી માટે પસંદ કરાયેલા ખેલાડીઓ T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હશે.
૯ ડિસેમ્બરે કટકમાં પ્રથમ મેચથી શરૂ થશે
ટી૨૦ શ્રેણી માટે ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે રિંકુ સિંહને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. નીતિશ કુમાર રેડ્ડીને પણ ટી૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ હજુ સુધી આ બંને ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાના કારણો અંગે કોઈ માહિતી આપી નથી.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપ ૨૦૨૫ માં રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે, પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે અને ટીમમાં પાછો ફર્યો છે. હાર્દિકે તાજેતરમાં પંજાબ સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચમાં ૪૨ બોલમાં ૭૭ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
ભારત-દક્ષિણ આફ્રિકા T20I શ્રેણીનું શિડ્યૂલ
ભારત-દક્ષિણ આફ્રિકા T20I શ્રેણી ૯ ડિસેમ્બરે કટકમાં પ્રથમ મેચથી શરૂ થશે. બીજી મેચ ૧૧ ડિસેમ્બરે મુલ્લાનપુર (ન્યૂ ચંદીગઢ) માં રમાશે. ત્રીજી T20I ૧૪ ડિસેમ્બરે ધર્મશાળામાં, ચોથી ૧૭ ડિસેમ્બરે લખનૌમાં અને છેલ્લી T20I ૧૯ ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.
ટી૨૦ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમ :- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર