Last Updated on by Sampurna Samachar
બે મિત્રોએ ઝેરી દવા પીને નદીમાં લગાવી છલાંગ
એક મિત્રને ધંધાનુ ચિંતા તો બીજાને હતી અભ્યાસની ચિંતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના ડીંડોલીમાં રહેતા કૌસ્તુભ અને સમીર નામના બે મિત્રોએ અડાજણ પાટીયાના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી ફ્રેન્ડશિપ ડેના બે દિવસ અગાઉ છલાંગ મારી હતી. જોકે, બંને નદી કિનારે જમીન પર પટકાતા જીવ બચી ગયો હતો પણ ઇજા થતા નવી સિવિલમાં ખસેડ્યા હતા. જ્યાં ફ્રેન્ડશિપ ડેના દિવસે જ કૌસ્તુભનું સારવાર દરમિયાન દુ:ખદ અવસાન થયું છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે બીજા મિત્ર સમીરની હાલ સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ ૨૪ વર્ષીય કૌસ્તુભ છેલ્લા ઘણા સમયથી કામ-ધંધો યોગ્ય રીતે ન ચાલવાને કારણે તણાવમાં હતો. જ્યારે તેનો મિત્ર ૧૮ વર્ષીય સમીર ધોરણ ૧૦ માં નાપાસ થયો હતો અને ફરીથી પરીક્ષા આપવાનો હોવાથી તે પણ તણાવ અનુભવી રહ્યો હતો. આ બંને મિત્રોએ સાંજે રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચી પહેલા ઝેરી દવા પીધી અને પછી તાપી નદીમાં છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
એકમાત્ર દિકરાના મોતથી આભ તૂટી પડ્યું
કૌસ્તુભ પરિવારનો એકમાત્ર દીકરો હતો. તેના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે દિવસે મિત્રતાની ઉજવણી કરવામાં આવે છે, તે જ દિવસે આ મિત્રોની જોડી કાયમ માટે તૂટી ગઈ હતી. કૌસ્તુભના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.