Last Updated on by Sampurna Samachar
બે આખલાઓ વચ્ચે થયેલી લડાઈનો વિડીયો વાયરલ
વેપારીને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રખડતા ઢોરનો ત્રાસ હવે વેપારીઓ માટે મોટું નુકસાન નોતરી રહ્યો છે. સલાયાના મુખ્ય બજારમાં બે આખલાઓ વચ્ચે થયેલી લડાઈનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક આખલો લડતા-લડતા સીધો જ ફરસાણની દુકાનમાં ઘુસી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી.

સલાયા ગામના મુખ્ય બજારમાં જ્યારે ગ્રાહકોની અવરજવર હતી ત્યારે અચાનક બે બેફામ આખલાઓ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે એવું યુદ્ધ જામ્યું કે બજારમાં અફરાતફરી મચી ગઈ. આ લડાઈ દરમિયાન એક આખલો વેગ સાથે બાજુની ફરસાણની દુકાનમાં ઘુસી ગયો હતો.
રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં
દુકાનમાં ઘુસેલા આખલાએ ત્યાં રાખેલો ફરસાણનો ઘાણવો, કાચના કાઉન્ટર અને અન્ય સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. સદનસીબે દુકાનદાર અને ગ્રાહકો સમયસૂચકતા વાપરી ખસી જતાં જાનહાની ટળી હતી, પરંતુ વેપારીને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે આખલાના ઘુસવાથી દુકાનદાર પણ એક ક્ષણ માટે ગભરાઈ જાય છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તંત્ર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.
સલાયાના વેપારીઓ અને રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેર માર્ગો અને બજારોમાં ઢોરનો જમાવડો રહે છે. વારંવાર આખલાઓ લડતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાય છે. વેપારીઓ હવે પોતાની દુકાનોમાં બેસતા પણ ડરી રહ્યા છે.