Last Updated on by Sampurna Samachar
ગાઝિયાબાદમાં એક્સપ્રેસ હાઇવે બે વેપારીનો ગમખ્વાર અકસ્માત
બંને મિત્રો મથુરા – વૃંદાવન જઇ રહ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાણીની બોટલે મેરઠના ૨ વેપારીઓના જીવ લીધા છે. આ સાંભળીને નવાઇ લાગશે કે આવુ કઇ રીતે બની શકે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો કુંડલી ગાઝિયાબાદ પલવલ એક્સપ્રેસ હાઈવે પર બે વેપારી મિત્રો કારમાં જઈ રહ્યા હતા, ત્યારે કારમાં પડેલી પાણીની બોટલ બ્રેક પેડલની નીચે આવી ગઈ હતી. આના કારણે બ્રેક લાગી શકી નહીં અને તેમની કાર એક્સપ્રેસવેની બાજુમાં ઊભેલા ટ્રોલામાં ઘૂસી ગઈ હતી. હાલમાં પોલીસે બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવીને તેમના પરિવારજનોને સોંપી દીધા છે.

આ કેસના તપાસ અધિકારી ASI બિજેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ, પલવલના ચાંદહટ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે KGP પર એક વેગનઆર કારે ટ્રોલાને પાછળથી ટક્કર મારી છે, જેમાં બે લોકોના મોત થયા છે. જે બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
વાહન ચલાવતી વખતે નાની નાની વસ્તુઓનુ ધ્યાન રાખવું
પોલીસની તપાસમાં બંને મૃતકો મેરઠના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું, જેમના નામ અભિનવ અગ્રવાલ અને અમિત અગ્રવાલ હતા. બંને મિત્રો હતા. અભિનવ અગ્રવાલ મેરઠમાં બુક સ્ટોલ ચલાવતા હતા, જ્યારે અમિત અગ્રવાલની પૂજા સામગ્રીની દુકાન હતી. જન્માષ્ટમીનો તહેવાર આવતો હોવાથી અમિત અગ્રવાલને પોતાની દુકાન માટે સામાન લેવાનો હતો, તેથી તેઓએ મથુરા-વૃંદાવન જવાનો પ્લાન બનાવ્યો અને કારમાં બને મથુરા-વૃંદાવન જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો.
તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે કારની સ્પીડ ઘણી વધારે હશે, કારણ કે અડધા કરતા વધારે કાર ટ્રોલામાં ઘુસી ગઈ હતી. બંને મૃતકોના મૃતદેહ પણ મહામહેનતે કારમાંથી કાઢવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, કારની તપાસ કરતા ડ્રાઈવરના પગની પાસે પાણીની બોટલ પડી હતી. જેનાથી એવું લાગી રહ્યું છે કે કદાચ પાણીની બોટલ બ્રેક પેડલની નીચે આવી જતા બ્રેક ન લાગતા આ દુર્ઘટના સર્જાઈ હશે.
ગાઝિયાબાદના KGP એક્સપ્રેસવે પર બનેલી આ દુ:ખદ ઘટના આપણને એક મહત્વનો પાઠ શીખવે છે કે વાહન ચલાવતી વખતે નાની-નાની બાબતો પણ જીવલેણ બની શકે છે. પાણીની બોટલ જેવી નાની વસ્તુ પણ જો ખોટી જગ્યાએ હોય તો મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.