Last Updated on by Sampurna Samachar
સિંગા ગામે વીજ લાઇનના તણખલાથી ખેતરમાં લાગી આગ
પ્રાથમિક અહેવાલો મુજબ, ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇનના તણખલા પડવાને કારણે આ આગ લાગી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સિંગા ગામે આજે આગની એક દુખદ ઘટના સામે આવી છે. ખેતરમાં તૈયાર થયેલો અને લણણીના આરે ઉભેલો ઘઉંનો પાક આગની લપેટમાં આવી જતાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇનના તણખલા પડવાને કારણે આ આગ લાગી હતી.

સિંગા ગામના ખેડૂત સુમંતભાઈ જયંતિભાઈ પટેલના ખેતરમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. ખેતરમાં બે વીઘા જમીનમાં ઘઉંનો પાક વાવેલો હતો, જે એકાએક લાગેલી આગમાં જોતજોતામાં બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂતે આખું વર્ષ જે પાક માટે પરસેવો પાડ્યો હતો, તે મિનિટોમાં રાખ થઈ જતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ખેડૂતોએ આ નુકસાનનું વળતર મળે તેવી માગ કરી
આગ લાગતા જ આસપાસના ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ પોતાના સંસાધનોનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોની સતર્કતાને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા તેને અટકાવી દેવામાં આવી હતી, જેનાથી આજુબાજુના અન્ય ખેતરોમાં રહેલો પાક બચી ગયો હતો.આ ઘટના પાછળ વીજ વિભાગની બેદરકારી હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં જર્જરિત વીજ લાઇનોનું સમારકામ કરવામાં આવતું નથી.
વીજ લાઇનના શોર્ટ સર્કિટ કે તણખલાથી અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને સિંગા ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આ નુકસાનનું વળતર મળે તેવી માગ કરી છે.