Last Updated on by Sampurna Samachar
જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને ૨૦ વર્ષની જેલ સજાનો હુકમ
તે અંગેની ફરીયાદએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૨૭/૦૬/૨૦૨૨ નાં રોજ નોંધાવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરની પોકસો અદાલતે સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં બે આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા તથા સમીર હુશેન હનીફભાઈ ગજીયાને પોકસો સહિતની કલમ અન્વયે ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ નો દંડ તથા ભોગબનનારને વળતર પેટે રૂ.૪,૦૦,૦૦૦ ચુકવવાનો હુકમ કર્યો છે.

આ કેસના આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખાએ તા.૨૭/૦૬/૨૦૨૧ થી તા.૦૧/૦૪/૨૦૨૨ દરમ્યાન ફરીયાદીની સગીર વયની દીકરી સાથે તેણીની સંમતિ વગર તેની મરજી વિરુધ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજારી ભોગબનનારનું શારીરિક શોષણ તેમજ દુષ્કર્મ આચરેલ તેમજ અન્ય આરોપી સમીરહુશેન હનીફભાઈ ગજીયાએ આ કૃત્યનો વિડીયો પોતાની પાસે હોવાનું ભોગ બનનારને જણાવી વિડીયો બધાને બતાવી દેવાની ધમકી આપી, સગીરા સાથે બળજબરીથી અવાર-નવાર શરીર સંબંધ બાંધેલ તેમજ શારીરિક શોષણના કારણે બાળા ગર્ભવતી થઈ હતી.
આરોપીઓની ધરપકડ
તે અંગેની ફરીયાદએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૨૭/૦૬/૨૦૨૨ નાં રોજ નોંધાવામાં આવી હતી.જે ફરીયાદ મુજબ તપાસ કરનાર અધિકારી દ્વારા ગુનાની તપાસ કરી આરોપીઓ વિરુધ્ધ પોકસો સહિતની કલમ મુજબનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસ જામનગરની પોકસો અદાલતમાં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી તથા મેડીકલ ઓફીસર વિગેરે ૧૦ જેટલા સાહેદોની જુબાની તથા સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલ ૪૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ જીલ્લા સરકારી વકીલે અદાલત સમક્ષ કરેલ ધારદાર દલીલ જણાવેલ કે, આરોપીઓ સામે સગીર વયની બાળા ભોગબનનારને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કરવા અંગેનો ગુનો છે.
તેમજ ફરીયાદ પક્ષ આરોપીઓ વિરુધ્ધના આક્ષેપો નિ:શંકપણે પુરવાર કરેલ છે. તેમજ સમાજમાં દિન પ્રતિદીન આ પ્રકારનાં ગુનાઓનું પ્રમાણ વધી રહેલ છે અને બાળાઓ ભોગબનનાર ઉપર વિપરીત અસર પડે છે જેથી સમાજમાં દાખલો બેસે તેથી આરોપીઓને મહતમ સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવા રજૂઆત કરેલ હતી.
જે મુજબ જામનગરની સ્પે.પોકસો અદાલતનાં ન્યાયાધીશ આર.પી.મોગેરાએ ઉપરોકત હકીકતો તથા ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીઓને પોકસો તથા ભારતીય દંડ સંહીતાની અલગ અલગ કલમો હેઠળ તકસીરવાન ઠરાવી બન્ને આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ નો દંડ અને જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. તથા ભોગબનનાર બાળાને વળતર પેટે રૂ.૪,૦૦,૦૦૦ ચુકવવાનો હુકમ કરેલ છે.