Last Updated on by Sampurna Samachar
તુર્કીના ગૃહપ્રધાન અલી યેર્લિકાયા દ્વારા આગની પુષ્ટિ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તુર્કીમાં સવારે ૩ : ૩૦ વાગ્યે ભીષણ આગનો બનાવ બન્યો હતો. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પહાડોની વચ્ચે એક ટેકરા પર બનેલી સ્કી રિસોર્ટ કમ હોટેલ કાર્ટલકાયામાં આગ લાગી હતી. આગમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત અને ૩૦ થી વધુ લોકો ઘાયલ હોવાના અહેવાલ છે તેમજ આ આગમાં મોતની સંખ્યા વધી શકે છે.
મળતા અહેવાલ મુજબ, આગની પુષ્ટિ તુર્કીના ગૃહપ્રધાન અલી યેર્લિકાયા દ્વારા કરવામાં આવી છે. આ આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડની ૩૦ ગાડીઓ અને ૨૫ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. બોલુના ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિને મીડિયાને જણાવ્યું હતું કે આગ હોટલના ૧૧મા માળે લાગી હતી અને ઝડપથી નીચેના માળને લપેટમાં લીધી હતી. હોટલમાંથી ઉંચી જ્વાળાઓ આવતી જોઈને હોટલમાં રોકાયેલા ૨૩૪ જેટલા મહેમાનો ડરી ગયા અને પોતાના રૂમની બારીમાંથી કૂદવા લાગ્યા. આટલી ઊંચાઈએથી કૂદવાને કારણે અનેક લોકોના મોત થયા અને ઘાયલ થયા હતા.
ઘાયલોએ પોલીસને આ માહિતી આપી અને જણાવ્યું કે તેઓ રજાઓ માણવા આવ્યા હતા અને આ રિસોર્ટમાં રોકાયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે, જેને શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. અકસ્માત માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે રિસોર્ટ કમ હોટેલ તુર્કીના કોરોગલુ પર્વતોની તળેટીમાં બનેલ છે અને તુર્કીનું પ્રખ્યાત સ્કી રિસોર્ટ છે. આ તુર્કીની રાજધાની ઈસ્તાંબુલથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર પૂર્વ દિશામાં છે. તુર્કીમાં શાળાની રજાઓને કારણે અચાનક અકસ્માત સર્જાયો ત્યારે રિસોર્ટ પ્રવાસીઓથી ભરેલો હતો.