Last Updated on by Sampurna Samachar
બાળકના ખરાબ હેન્ડરાઈટિંગથી ગુસ્સે થઈ ગયા ટ્યુશન ટીચર
બાળકને ડામ આપવા એ માનસિક ત્રાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ર્નિદયી ઘટના સામે આવી છે. એક ૮ વર્ષના માસૂમ બાળક સાથે તેની ટ્યુશન ટીચરે ઘાતકી વ્યવહાર કર્યો છે. એવો આરોપ છે કે ટ્યુશન ટીચર રાજશ્રી રાઠોડે બાળકના ખરાબ હેન્ડરાઈટિંગથી ગુસ્સે થઈને તેના હાથ પર સળગતી મીણબત્તી મૂકી હતી, જેના કારણે બાળકનો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો. આ કેસમાં, બાળકના પિતાની ફરિયાદ પર, કુરાર પોલીસે ટ્યુશન ટીચર વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, પીડિત બાળક ગોરેગાંવની એક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તે દરરોજ સાંજે મલાડના જે.પી.ડેક્સ બિલ્ડિંગમાં રાજશ્રી રાઠોડના ઘરે ટ્યુશન માટે જતો હતો. ઘટનાના દિવસે તેની બહેન તેને ટ્યુશન માટે મૂકવા ગઈ હતી. મોડી રાત્રે, ટ્યુશન ટીચરે પીડિત બાળકની બહેનને ફોન કરીને તેને પાછો લઈ જવા કહ્યું.
પોલીસે આરોપી ટ્યુશન ટીચરની કરી ધરપકડ
જ્યારે બહેન ટ્યુશન લેવા પહોંચી ત્યારે તેણે જોયું કે બાળક રડી રહ્યો હતો અને તેનો જમણો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે તેણે શિક્ષકાને આ અંગે પૂછ્યું ત્યારે તેણે તેને ‘નાટક‘ ગણાવ્યું. પરંતુ ઘરે પહોંચીને બાળકે તેના પિતાને કહ્યું કે, ‘રાજશ્રી મેડમે મને ખરાબ હેન્ડરાઈટિંગની સજા આપતા મારો હાથ પર સળગતી મીણબત્તી પર મૂક્યો હતો.‘
બાળકની સ્થિતિ અને દુખાવો જોઈને, તેના પિતાએ તાત્કાલિક તેને કાંદિવલીની ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં દાખલ કર્યો અને પછી કુરાર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી. આ અંગે બાળકના પિતાએ કહ્યું કે, ‘આટલી નાની ઉંમરના બાળકને આટલી અમાનવીય સજા આપવી એ માત્ર શારીરિક ત્રાસ જ નહીં પરંતુ માનસિક ત્રાસ પણ છે.
કેસની પ્રાથમિક તપાસ બાદ, પોલીસે આરોપી ટ્યુશન ટીચર રાજશ્રી રાઠોડ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.