Last Updated on by Sampurna Samachar
સાત મહિનામાં ૮૭૦ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા
ટ્રાન્ઝેક્શન્સ થર્ડ પાર્ટી ટ્રસ્ટ દ્વારા કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિ અંગે ૩૩ પાનાની સરકારી ફાઈલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ તેઓ બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ તેમની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા સાત મહિનામાં ટ્રમ્પે ૧૦૦ મિલિયન ડોલર (લગભગ ૮૭૦ કરોડ)થી વધુનું રોકાણ કરીને અનેક ક્ષેત્રોમાં શેર ખરીદ્યા છે.

યુએસ ઑફિસ ઑફ ગવર્નમેન્ટ એથિક્સ રિપોર્ટ મુજબ, ૨૦ જાન્યુઆરીના રોજ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યો, ત્યારબાદ ૨૧ જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ટ્રમ્પે ૧૦૦ મિલિયન ડોલરથી વધુ, એટલે કે લગભગ ૮૭૦ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા છે. અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, આ તમામ ટ્રાન્ઝેક્શન્સ થર્ડ પાર્ટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આખરે આ તમામ પૈસા ટ્રમ્પના હોવાથી, તેમના પર સરકારના ર્નિણયોનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાનો આરોપ પણ લાગી રહ્યો છે.
કુલ સંપત્તિ ઓછામાં ઓછી ૧.૬ બિલિયન ડોલર
ટ્રમ્પે આ રોકાણ મુખ્યત્વે યુએસ કોર્પોરેટ, સ્થાનિક મ્યુનિસિપલ અને રાજ્યના ડેટ સિક્યોરિટીઝમાં કર્યું છે. તેમાં મુખ્યત્વે સિટીગ્રુપ, મોર્ગન સ્ટેનલી, વેલ્સ ફાર્ગો, મેટા, ક્વોલકોમ, ધ હોમ ડેપો, ટી-મોબાઈલ યુએસએ અને યુનાઈટેડ હેલ્થ ગ્રુપ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ રાજ્યો, કાઉન્ટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, કુદરતી ગેસ ઉત્પાદક સંસ્થાઓ અને અન્ય સ્થાનિક મ્યુનિસિપાલિટીઝ દ્વારા જારી કરાયેલા બોન્ડ્સમાં રોકાણ કર્યું છે.
દરમિયાન, ટ્રમ્પની સંપત્તિ અંગે અલગ-અલગ આંકડા સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૪માં ટ્રમ્પની સંપત્તિમાં ૬૦૦ મિલિયન ડોલર (લગભગ ૪,૯૮૦ કરોડ રૂપિયા)નો વધારો થયો હોવાનું સરકારી આંકડાઓ પરથી સ્પષ્ટ થયું છે. તેમાં ક્રિપ્ટોકરન્સી, ગોલ્ફ પ્રોપર્ટી, લાયસન્સિંગ ડીલ્સ અને અન્ય ઉદ્યોગોમાંથી એકઠા થયેલા નફાનો સમાવેશ થાય છે. ટ્રમ્પની કુલ સંપત્તિ ઓછામાં ઓછી ૧.૬ બિલિયન ડોલર (લગભગ ૧૩,૯૬૦ કરોડ રૂપિયા) છે.
બોન્ડ એટલે ફિક્સ્ડ ઈન્કમ ઈન્વેસ્ટમેન્ટ… આમાં કંપની અથવા સરકાર રોકાણકાર પાસેથી પૈસા લઈને નિશ્ચિત વ્યાજ ચૂકવે છે. નિષ્ણાતો કહે છે કે, જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડે છે, તો ટ્રમ્પનું રોકાણો વધુ નફો આપશે, કારણ કે વ્યાજ દર ઘટવાથી બોન્ડની કિંમત વધે છે.