Last Updated on by Sampurna Samachar
આ નવા ટેરિફને કારણે ઘણા ઓર્ડર રદ થયા
ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થવાની આશંકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરવામાં આવેલા ૫૦% ટેરિફથી ઘણા ઉદ્યોગોને અસર થઈ છે, જેમાં કાપડ ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ ટેરિફના કારણે એકલા તમિલનાડુને જ રૂ. ૩૪,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
આ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા મુજબ, ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આ બમણા ટેરિફથી રાજ્યની અર્થવ્યવસ્થાને $ ૩.૯૩ બિલિયન (આશરે રૂ. ૩૪,૬૦૦ કરોડ) નું ભારે નુકસાન થઈ શકે છે. આ ટેરિફ ૨૭ ઓગસ્ટથી અમલમાં આવ્યો છે અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને તેનાથી સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે.
ઉદ્યોગે ગયા વર્ષે રૂ. ૪૦,૦૦૦ કરોડની વિદેશી મુદ્રા કમાણી
અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર લગાવેલા બમણા ટેરિફને કારણે તમિલનાડુના નિકાસકારોમાં ભારે ચિંતા પ્રસરી છે, કારણ કે અમેરિકા તેમના માટે એક મોટું બજાર છે. છેલ્લા નાણાકીય વર્ષમાં, તમિલનાડુના કુલ નિકાસનો ૩૧% હિસ્સો અમેરિકાનો હતો, જે ભારતીય રાષ્ટ્રીય સરેરાશ (૨૦%) કરતાં ઘણો વધારે છે. આ નવા ટેરિફને કારણે ઘણા ઓર્ડર રદ થયા છે અને તમિલનાડુનો નિકાસ બિન-સ્પર્ધાત્મક બન્યો છે. ખાસ કરીને કાપડ, મશીનરી, જેમ્સ અને જ્વેલરી તેમજ ઓટો પાર્ટ્સ જેવા ક્ષેત્રોમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે.
અમેરિકન ટેરિફને કારણે તમિલનાડુમાં નોકરીઓ પર મોટો ખતરો ઉભો થયો છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા અનુસાર, આ ટેરિફના કારણે વિવિધ ક્ષેત્રોમાં ૧૩%થી ૩૬% સુધી નોકરીઓ જઈ શકે છે.
આ ટેરિફના કારણે ખાસ કરીને કાપડ ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. ગાઇડન્સ તમિલનાડુના અંદાજ મુજબ, આ એકલા ક્ષેત્રને જ $ ૧.૬૨ બિલિયન (અંદાજે ૧૪,૨૭૯ કરોડ) થી વધુનું નુકસાન થવાની સંભાવના છે.
તમિલનાડુ ભારતનું સૌથી મોટું કાપડ નિકાસકાર રાજ્ય છે, જે દેશના કુલ કાપડ નિકાસમાં ૨૮% ફાળો આપે છે અને લાખો પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આંકડાઓ પર નજર કરીએ, તો તિરુપુર જિલ્લામાં, જ્યાં કાપડ ઉદ્યોગમાં ૬૫% મહિલાઓ કાર્યરત છે, આ ઉદ્યોગે ગયા વર્ષે રૂ. ૪૦,૦૦૦ કરોડની વિદેશી મુદ્રા કમાણી કરી. આ ઉદ્યોગ રંગકામ, લોજિસ્ટિક્સ, પેકેજિંગ અને મશીનરી જેવા અન્ય સંબંધિત ઉદ્યોગોને પણ મદદ કરે છે.